Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પીએમ મોદીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી અન્વયે કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન

કચ્છના વિવિધ તાલુકામાં સફાઈ અભિયાન, ચિત્ર સ્પર્ધા, મમતા તરૂણી દિવસની ઉજવણી સહિત અનેક પ્રવૃતિઓ યોજાઈ:વડાપ્રધાન કચ્છ જિલ્લામાં કુલ ૧૮૩ આવાસનું ઈ-લોકાર્પણ કરશે

ભુજ : વડાપ્રધાન મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. જે પૈકી ૦૯ એવા આવાસોમાં ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી,બનાસકાંઠા ખાતે જીવંત પ્રસારણ થશે. વડાપ્રધાનની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી હોવાથી જિલ્લાના ૦૨ લાભાર્થીઓ સાથે વડાપ્રધાન અંબાજીથી સીધો સંવાદ કરશે. 

 આ લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. ઉક્ત ઉજવણી અન્વયે લખપત તાલુકાના નરા, ધારેશી, જાડવા અને દોલતપર વગેરે ગામોમાં  સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ગામોમાં શાળાના બાળકો દ્વારા શાળાની સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે બાળકોને સફાઈનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને બાળકોને હંમેશા સફાઈ રાખવા માટે શપથ લેવડાવામાં આવ્યા. આ ઉપરાંત ગામના લોકોની વ્યક્તિગત મુલાકાત લઇ ગામને સ્વચ્છ રાખવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે રાપરમાં જાહેર સ્થળો અને રસ્તાઓની સાફ સફાઈ તેમજ રંગોળી દ્વારા સુશોભન સહિતની કામગીરી પણ કરાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા આબાલવૃદ્ધ સૌ કોઈ થનગની રહ્યા હોય એવો માહોલ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં સર્જાયો છે. નદી નાળાની સફાઈ, આંગણવાડીમાં સફાઈની કામગીરી અને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર- સ્પર્ધા યોજવામાં આવી હતી. અબડાસા તાલુકામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટીકામ કરવામાં આવ્યું હતું તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. માંડવી તાલુકામાં ફરાદી આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા તરૂણી દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં તરૂણીઓનું વજન, ઊંચાઇ, બી.એમ.આઇ. કરવામાં આવ્યું હતું. તરૂણીઓને આર્યનફોલીક એસીડ, ટેબ્લેટ અને સેનેટરીપેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પૌષ્ટિક આહાર અને પર્સનલ હાઇજીન અંગે પણ સમજ આપવામાં આવી હતી. નખત્રાણા તાલુકાના જતાવીરા ગામમાં પણ આ કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભુજ તાલુકાના ખાવડા ગામમાં ગામના લોકો દ્વારા પ્રભાત ફેરી, સફાઈ કામગીરી, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા અને રંગોળીની કામગીરી કરવામાં આવી. માંડવી તાલુકા ફરાદી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની અને ગામલોકો દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી હતી

(12:29 am IST)