Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોરબી : ઇન્સ્ટ્રાગ્રામની પોસ્ટનો ખાર રાખી યુવક અને તેના ભાઇ પર ૩ શખ્સોનો હુમલો

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૯ : સોશિયલ મીડિયાની કોઈ નજીવી પોસ્ટથી ઉશ્કેરાઈને પણ મારામારી કરી રહ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના પંચાસર રોડ  ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ સ્ટોરીનો ખાર રાખી ૩ શખ્સોએ યુવક અને તેના ભાઈને ઢોરમાર મારતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ થઇ છે.

 ફરિયાદી નવાબ ઉર્ફે બાદશા ફતેમામદભાઇ કટીયાએ આરોપી મકબુલ મેહબુબભાઇ દલવાણી, વિપુલ ગઢવી તથા એજાજ ઉર્ફે બાબુલાલ પઢીયાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેઓ તેમના પિતરાઈ ભાઈ હનીફ સાથે શનાળા બાયપાસ પાસે આવેલ ગણેશ શોરૃમમાંથી સાંજના સમયે ઘરે આવતા હતા ત્યારે સાંજને પંચાસર રોડ ઉપર ગીતામીલ પાસે પહોંચતા એક સફેદ કલરની અલ્ટો કાર ઉભી હતી. જેમાંથી હાથમા લોખંડના પાઇપ સાથે ત્રણેય આરોપી નીકળ્યા હતા અને નવાબ તથા હનીફને અટકાવ્યા હતા. તેમની પાસે આવી નવાબે અગાઉ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ સ્ટોરી બાબતે જેમફાવે તેમ બોલી ભુંડી ગાળો ભાંડી હતી. 

જેથી નવાબે -તિકાર કરતા ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી નવાબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ વખતે હનીફ તેમને છોડાવવા જતા ત્રણેય આરોપીઓએ તેને પણ ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. પણ ઘટનાને પગલે ટોળું એકત્ર થતા ત્રણેય આરોપી  ધમકી આપી પોતાની કારમાં સવાર થઈને જતા રહ્યા હતા. જયારે નવાબ અને હનીફને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 નવાબે પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ સ્ટોરી બાબતે આ પૂર્વે પણ ત્રણેય ઈસમો સાથે તેમને બોલાચાલી થઈ હતી. પણ એ વખતે સમાધાન થયા બાદ પણ આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. આ ફરિયાદીના આધારે પોલીસે  ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:19 pm IST)