Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેશોદ વિસ્‍તારમાં મગફળી ઉપાડવાની શરૂઆત : બજારમાં દેખાતી અસર

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૮ : સારામાં સારા ચોમાસા પછી તૈયાર થયેલ મગફળીનો પાક ઉપાડવાની શરૂઆત થયેલી છે તેની સીધી અસર સ્‍થાનિક કેશોદના બજારોમાં જોવા મળી રહી છે.

લગભગ પુરા થયેલા ચોમાસા દરમિયાન આ વરસે સારામાં સારો વરસાદ થયેલ છે. બીજા શબ્‍દોમાં કહીએ તો જ્‍યારે વરસાદની જરૂર હોય ત્‍યારે જ વરસાદ આવેલો છે અને એ પણ ધીમી ધારે વરસેલો છે. પરિણામે કોઇ પણ જાતનું નુકશાન થયેલ નથી અને ચોમાસાનો મુખ્‍ય પાક મગફળી નો પાક સારામાં સારો અત્‍યારે ખેતરોમાં ઉભેલો છે.

દરમિયાન જે ખેડૂતના ખેતરમાં કુવો હતો અને ચોમાસાની શરૂઆત પહેલા તેમાં પુરતુ પાણી હતુ તેઓએ વરસાદના આગમન પહેલા જ પોતાના ખેતરમાં મગફળીનું વાવેતર કરી દીધુ હતુ આવુ વાવેતર જે જે ખેડૂતોએ કરેલુ તેનો પાક તૈયાર થઇ જતા આવા ખેડૂતોએ મગફળી ઉપાડવાની શરૂઆત કરી દીધી છે અને આવા એકાદ-બે નહિ પરંતુ સંખ્‍યાબંધ ખેડૂતો છે.

આવા ખેડૂતો પોતાની ખેતી કામમાં રોકાય જતા તેની અસર અત્‍યારે કેશોદના બજારોમાં દેખાવા માંડી છે. ખેતીકામ ઝડપથી પુરૂ કરવાનું હોવાથી પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરવા માટે કેશોદ આવતા નથી એ જ સ્‍થિતી તેની સાથે જોડાયેલા મજુરોની પણ થઇ છે. જેથી કેશોદમાં આવા લોકોની દરરોજ દેખાતી હાજરી અત્‍યારે બહુ ઓછી દેખાય છે નહિતર અત્‍યારે નવરાત્રિના દિવસો ચાલે છે અને દિવાળી પહેલાની ખરીદી શ્રાદ્ધના દિવસો પુરા થાય પછી નવરાત્રિના પ્રથમ દિવસથી જ શરૂ થઇ ગઇ હોય છે. દરેક વ્‍યાપારી માટે સીઝન શરૂ થઇ ગયેલી હોય છે જો કે આ સ્‍થિતી કોઇ લાંબો સમય રહેવાની નથી થોડા દિવસમાં જ મગફળી ઉપાડવાની કામગીરી પુરી થશે અને સારામાં સારા વરસાદના કારણે દિવાળી પહેલાની સારામાં સારી ઘરાકી પણ નીકળશે તેવી આશા વ્‍યાપારીઓ અત્‍યારે રાખી રહ્યા છે. 

(10:17 am IST)