Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કાલે નરેન્‍દ્રભાઇ અંબાજી ખાતેથી કચ્‍છ જિલ્લાના ‘પ્રધાનમંત્રી આવાસ યોજના'ના લાભાર્થી સાથે વર્ચ્‍યુઅલ સંવાદ કરશે

કચ્‍છ જિલ્લામાં ૯ આવાસના ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું લાઈવ પ્રસારણ થશેઃ વડાપ્રધાનશ્રીના હસ્‍તે કચ્‍છ જિલ્લાના કુલ ૧૮૩ આવાસનું ઈ-લોકાર્પણ કરાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ૩૦ સપ્‍ટેમ્‍બર,૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોનું વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્‍છ જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. આ ૧૮૩ આવાસ પૈકી ૦૯ એવા આવાસની પસંદગી કરવામાં આવી છે, કે જેના ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી, બનાસકાંઠા ખાતેથી જીવંત પ્રસારણ થશે. આ જીવંત પ્રસારણ માટે ૩૩ જિલ્લા પૈકી ૧૦ જિલ્લાને પસંદ કરવામાં આવ્‍યા છે જેમાં કચ્‍છ જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે. વડાપ્રધાનશ્રીની કચ્‍છ પ્રત્‍યેની અપાર લાગણીને ધ્‍યાને લઇ કચ્‍છના ૦૨ લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી અંબાજીથી સીધો સંવાદ કરશે.

આ લોકાર્પણ કાર્યક્રમને ઉત્‍સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અન્‍ય યોજનાઓ દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્‍ટેમ્‍બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શ્રમદાન, જાહેર સ્‍થળોની સફાઈ, જળાશયો/અમૃત સરોવરો, મંદિરોની આસપાસᅠ કચરાની સફાઈ, સ્‍વચ્‍છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્‍પર્ધાનું આયોજન, સ્‍વચ્‍છતાની થીમ પર સાંસ્‍કૃતિક કાર્યક્રમ, શેરી નાટક, ભવાઈ, સ્‍થાનિક મહિલાઓ દ્વારા લોકગીત પ્રસ્‍તુતિનું આયોજન, વૃક્ષારોપણ, તોરણ/ફૂલોથી સુ-શોભન તેમજ ઘર આંગણે રંગોળી વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ સામેલ છે.

કચ્‍છ જિલ્લામાં વડાપ્રધાનશ્રીના લોકાર્પણ કાર્યક્રમની ઉજવણીના સુચારુ અમલીકરણ માટે કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સહ-અધ્‍યક્ષસ્‍થાને એક સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી-કચ્‍છ દ્વારા પણ આ સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ તાલુકાની ભાતીગળ સંસ્‍કૃતિથી પરિપૂર્ણ થાય તે માટે નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ રહી છે.

(10:14 am IST)