Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

જૂનાગઢના સગીરાના અપહરણનો ઝડપાયેલ આરોપી ભાવનાથથી કોવીડ સેન્ટરમાંથી ભાગી ગયેલ: ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

જૂનાગઢ જિલ્લાના ભવનાથ ખાતે સનાતન હિન્દૂ ધર્મશાળા ખાતે કોરોના પોઝીટીવ દર્દીને રાખવામાં આવે છે. તાજેતરમાં વંથલી ખાતેના સગીર બાળા ના અપહરણ ના ગુન્હાના આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસી (ઉવ. 23 ) (રહે. સીમડીયા ગામ તા. ઝાલોદ જી. દાહોદ )ને કોરોના પોઝીટીવ આવતા, તેને પણ ભવનાથ ખાતે સનાતન હિન્દૂ ધર્મશાળા ખાતે કોરોના પોઝીટીવ દર્દીને રાખવામાં આવે છે, ત્યાં રાખી, પોલીસની ગાર્ડ રાખવામાં આવેલ હતી. જે રૂમમાં આરોપીને રાખવામાં આવે છે, તે રૂમ બહારથી બંધ રાખવામાં આવતો હોય, તે રૂમની પાછળની રૂમની બારીનો એક સળીયાનો નીચેનો ભાગ લાકડાની ફ્રેમમાથી કાઢી સળિયા તોડી, આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસી ગઈકાલે કસ્ટડીમાંથી નાસી ગયેલ હતો. જે બાબતે પોલીસ હેડ ક્વાર્ટર જૂનાગઢના લોક રક્ષક કલ્પેશકુમાર અમતૃભાઈ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, ગુન્હો નોંધી, તપાસ ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી....

 ભવનાથ ખાતે રાખવામાં આવેલ કોરોના પોઝીટીવ કેદી ના નાસી જવાના બનાવની ગંભીરતા ધ્યાને લઇ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ભવનાથ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ટેક્નિકલ સેલની જુદી જુદી ચાર ટીમો બનાવી, તાત્કાલિક નાસી ગયેલ આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસીને સઘન તપાસ હાથ ધરી, તાત્કાલિક પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ હતી....
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસની જુદી જુદી ચાર ટીમોની સઘન તપાસ દરમિયાન આરોપી રાજુ તેરસિંગ નેશરતા ઉવ. 23 રહે. સીમડીયા ગામ તા. ઝાલોદ જી. દાહોદનો ભૂતકાળ તપાસતા, આરોપીના મામા વંથલી ખાતે બંટીયા ગામ ખેત મજૂરી કરતા હોય, ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા ટેક્નિકલ સોર્સથી મળેલ માહિતી આધારે ભવનાથ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફના હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ, યુસુફભાઈ, પો.કો. દીપકભાઈ, સંદીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા વંથલી તાલુકાના બંટીયા ગામની સીમમાંથી આરોપી રાજુ તેરસિંગ નેશરતા ઉવ. 23 રહે. સીમડીયા તા. ઝાલોદ જી. દાહોદને ગણતરીના કલાકોમાં પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે....
 પકડાયેલ આરોપી રાજુ તેરસિંગ નેશરતાની પૂછપરછ કરવામાં આવતા, પોતાને જેલમાં કોરોના પોઝીટીવ આવેલ હોઈ અને પોતાને વહેમ હતો કે, કોરોના પોઝીટીવ કેદીને ઇન્જેક્શન મારીને મારી નાખવામાં આવે છે, જેથી પોતાને મારી નાખશે, તેવી બીકે રાત્રે નીંદર આવતી ના હોઈ, આગળનો દરવાજો બંધ હોઈ તેમજ ભાગી શકાય તેમ  ના હોઈ, રાત્રીના સમયે રૂમની આવેલ બારીના સળિયા કાઢી, બારી તોડી, નાસી ગયેલાની સ્ફોટક કબૂલાત કરવામાં આવેલ હતી. આરોપીની કબૂલાત સાંભળી, પોલીસ પણ સ્તબ્ધ થયેલ હતી અને આરોપીને સમજાવી માનસિકતા દૂર કરી, કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરાવવાથી કોરોના મટે છે, એવું સમજાવવામાં પણ આવેલ હતું. આરોપી રાજુ તેનસિંગ નશેરતા આદિવાસીનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવતા નેગેટિવ આવેલ હતો અને આરોપીને વિશ્વાસ પણ આવેલ હતો...
આમ, ગઈકાલે ભવનાથ ખાતે સનાતન ધર્મશાળામા રાખવામાં આવેલ કોરોના પોઝીટીવ કેદીને જૂનાગઢ પોલીસ  દ્વારા ગણતરીની કલાકોમાં પકડી પાડી, તેના મનમાં રહેલ ગેર સમજ દૂર કરી, જેલ હવાલે કરવામાં આવેલ હતો

(9:24 pm IST)