Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે બેરાજા ગામે રૂ.6 લાખના ખર્ચે રેઇન બસેરા અને પુલનું ખાતમુહૂર્ત કર્યું

ઘર વિહોણા લોકો માટે રેઇન બસેરા છે આશિર્વાદરૂપ: રૂ.3 લાખના ખર્ચે પુલનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે: રાઘવજીભાઈ પટેલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.29 

 રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહનિર્માણના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના બેરાજા(પસાયા) ગામે આવેલ રામાપીર મંદિર પાસે રેઇન બસેરા અને ગેલણીયા હનુમાન મંદિર જવાના રસ્તે પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ.3 લાખના ખર્ચે રેઇન બસેરા અને રૂ.3 લાખના ખર્ચે પુલનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. 

આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઘરવિહોણા અનેક લોકો પાસે આશરો ન હોવાથી ચોમાસાના સમય દરમિયાન તેમણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેમજ બીમાર પણ પડતાં હોય છે. ત્યારે રેઇન બસેરાનું નિર્માણ થવાથી તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રોડ ઉપર રહીને જે પોતાનું જીવન ગુજારી રહ્યા છે, ખાસ કરીને શિયાળા અને ચોમાસાની ઋતુમાં તેઓને મુશ્કેલીઓ પડતી હોય છે. પરંતુ રેઇન બસેરા નિર્માણ પામવાથી તેઓને રક્ષણ મળી રહેશે. ગેલણીયા હનુમાન મંદિર જવાના રસ્તે પુલનું નિર્માણ થવાથી ચોમાસામાં વાહનચાલકોને તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થશે.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ ફાચરા, સરપંચશ્રી શૈલેષભાઈ ચાવલિયા,ગામના આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

(5:12 pm IST)