Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને 'પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિ' ની બેઠક યોજાઈ

(મુકુંદ બદિયાણી  દ્વારા)જામનગર તા. 29 

 જામનગર જિલ્લા કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. & પી. એન. ડી. ટી. એક્ટ- 1994 ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. 

બેઠકમાં કલેકટરશ્રી અને સદસ્યોએ જણાવ્યું કે, ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ મળ્યા બાદ જ નવા કે જુના ક્લિનિક રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ કરવામાં આવશે. તાલુકાઓમાં સેક્સ રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણની ગણતરીની કામગીરી વધારવી, તાલુકાઓમાં ક્વાર્ટરલી ચેકીંગ (ત્રિમાસિક તપાસ) ની બદલે સરપ્રાઈઝ ચેકીંગ કરવું, સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ કરાવવું, લોકોને જાગૃત કરવા જાગૃત્તિલક્ષી એસ. એમ. એસ. મોકલવા, નુક્કડ- નાટક ભજવવા, સમિતિના નવા અધ્યક્ષનું ચયન તેમજ ખાનગી ડોક્ટરને માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવું- આમ વિવિધ મુદ્દાઓ પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. 

બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ભાયા, જિલ્લા આરોગ્ય પ્રોગ્રામ કો- ઓર્ડિનેટર શ્રી યજ્ઞેશ ખારેચા, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડો. સંદીપ રાઠોડ, તાલુકા આરોગ્ય ઓફિસરશ્રીઓ તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહયા હતા.    

(5:01 pm IST)