Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વિઠ્ઠલાપરામાં આઇસર બમ્‍પ કૂદી ગયો : ચાલક અને બે મહિલાના મોત

સ્‍પીડમાં જતુ વાહન દિવાલ સાથે અથડાયુ : મહિલાઓ પાણી ભરીને આવતી હતી : ત્રણને ઇજા : મરનાર રાજસ્‍થાનીને બમ્‍પ દેખાયુ નહી અને સર્જાયો અકસ્‍માત : લખતરના નાના એવા ગામમાં ઘેરોશોક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામે બેકાબુ બનેલા આઈસરના ચાલકે પાણી ભરીને જતી મહિલાઓને અડફેટે લેતા બે મહિલાના મોત નિપજયાં હતા. જોકે, બેકાબુ આઈસર બસસ્‍ટેન્‍ડમાં ઘુસી જતા ચાલકનું પણ મોત નિપજયુ હતુ. આ ગંભીર અકસ્‍માતમાં ત્રણ વ્‍યક્‍તિના મોત નિપજયા હતા જયારે ત્રણ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે
લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામ પાસે પુરઝડપે આવી રહેલા આઈસરના ચાલકને બમ્‍પ ન દેખાતા બમ્‍પ સ્‍પીડમાં કુદાવતા આઈસર પરનો કાબુ ગુમાવ્‍યો હતો. દરમિયાન વાહનોની અવરજવરના કારણે પાણી ભરીને જતી મહિલાઓ રસ્‍તા ઉપર ઉભી હતી. ત્‍યારે આઇસરના ચાલકે મહિલાઓના ટોળાને અડફેટે લીધું હતું. બાદમાં આઈસર વિઠ્ઠલાપરા ગામના બસસ્‍ટેન્‍ડમાં ઘુસી દિવાલ સાથે ધડાકાભેર અથડાયુ હતુ.
આ ગંભીર અકસ્‍માતમાં મહિલાઓના ટોળામાંથી લક્ષ્મીબેન ઘનશ્‍યામભાઈ ઉપાધ્‍યાય (ઉં.વ.૨૯)નું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. જયારે ટીડીબેન ગણેશભાઈ મકવાણા (ઉં.વ.૭૦) ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થતા સારવાર માટે વિરમગામ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યાં હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.
ᅠજયારે આઇસરના ચાલક કેવલરામ (ઉં.વ.૨૭, રહે. બાડમેર, રાજસ્‍થાન)નું મોત નિપજયું છે. આ ઉપરાંત અન્‍ય ત્રણ મહિલાને ઈજા થઈ હતી જેમને સારવાર અર્થે વિરમગામની હોસ્‍પીટલ ખસેડવામાં આવી છે.
મૃતકના મૃતદેહોને લખતર હોસ્‍પીટલ ખાતે લાવવામાં આવ્‍યાં છે. ᅠઅકસ્‍માતની જાણ થતા લખતર પોલીસે ધટનાસ્‍થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પગલે ઘટનાસ્‍થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવને પગલે વિઠ્ઠલાપરા ગામમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી ફેલાઈ જવા પામી હતી.

 

(11:16 am IST)