Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સાર્ધ શતાબ્દી મહોત્સવ

મહાન તીર્થ અક્ષર દેરીની પૂજનવિધિઃ ભવ્ય લોકાર્પણ

છેલ્લા ૧૫૦ વર્ષથી ભકતોના મનોરથ પૂર્ણ કરનારી ચમત્કારી અક્ષર દેરીના નવીનીકરણ બાદ નવલા દર્શન માટે હરીભકતોના ઘોડાપૂર ગોંડલમાં ઉમટયાઃ પૂ. મહંતસ્વામી સહિતના સંતો - મહંતોની પાવન ઉપસ્થિતિ

શાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે અક્ષર મંદિરની અલૌકીક શોભા ડ્રોન કેમેરાની નજરે તસ્વીર. 

રાજકોટ તા. ૨૨ : ગોંડલ ખાતે છેલ્લા ૧૫૦ વર્ષોથી અગણિત ભકતોના મનોરથ પૂર્ણ કરનારી મહાચમત્કારી અક્ષરદેરીના નવીનીકરણ બાદ આજે સૌ ભકતોને નવલા દર્શન પ્રાપ્ત થયા હતાં. વહેલી સવારથી જ અક્ષર મંદિરના પ્રાંગણમાં ચોતરફ ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા. સંગીતની સૂરાવલિઓ અને ભગવાનના દિવ્ય નામ-સંસ્મરણો દિવ્ય ધ્વનિ સર્વત્ર ગુંજી રહ્યો હતો. સંતો-સ્વયંસેવકો અને હરિભકત ભાઇ- બહેનોમાં અનેરો ઉત્સાહ અને ભકિતભાવ જોવા મળતો હતો.

બરાબર ૮ કલાકે અક્ષરદેરી ખાતે પૂજનવિધીનો મંગલ પ્રારંભ શરૂ થયો. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો અક્ષર દેરી ખાતે વેદોકત વિધિપૂર્વકની પૂજનવિધીમાં સામેલ થયા. ત્યારબાદ પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંત સ્વામી મહારાજ પણ આ મંગલ વિધિમાં જોડાયા. સૌપ્રથમ તેઓએ અક્ષરદેરીના પ્રવેશદ્વારનું પૂજન કરીને અક્ષરદેરીમાં વિધિવત પ્રવેશ કર્યો. અક્ષરદેરીમાં મહાપૂજા દ્વારા જે અનેક ભકતોના સંકલ્પો સિદ્ઘ થતા રહ્યા છે તે પવિત્ર મહાપૂજાનું પૂજય મહંત સ્વામી મહારાજે પૂજન કર્યું. ત્યારબાદ તેઓએ અક્ષરદેરીનું પૂજન કર્યું. આજના મંગલ પર્વે સૌના કુશળક્ષેમની પ્રાર્થના સાથે અક્ષરદેરીની પ્રદક્ષિણા કરી. અક્ષરદેરીમાં બિરાજમાન અક્ષરપુરુષોત્ત્।મ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી તથા સમસ્ત ગુરુપરંપરાની સ્તુતિ અને પ્રાર્થના કરી. ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ તેઓએ મંત્રપુષ્પાંજલિ કરી. સંપૂર્ણ વેદોકતવિધિ સંપન્ન થયા બાદ તેઓએ અક્ષરદેરીના નવિનીકરણમાં સહયોગ અને સેવા આપનાર નિષ્ણાત સંતો અને સ્વયંસેવકોને આશીર્વાદરૂપ ચાંદલો કરી નાડાછડી બાંધી આશિષ આપ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહાપ્રતાપી અક્ષરદેરી માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને દીક્ષા આપી હતી. વળી વર્તમાન ગુરુહરિ મહંતસ્વામી મહારાજને પણ અહીં અક્ષરદેરીમાં જ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે દિક્ષા આપી હતી. અક્ષરદેરીમાં થઈ રહેલ તમામ વેદોકત વિધિ અને કાર્યક્રમને અક્ષર મંદિરના પ્રાંગણમાં ઠેરઠેર મૂકેલા વિશાળ એલઈડી સ્ક્રીન મારફતે હજારો હરિભકતો નિહાળી રહ્યા હતા.

આજે નવીનીકરણ પામેલા અક્ષરદેરીમાં ભગવાન બિરાજયા તે પ્રસંગે સહુએ વિવિધ શુભ સંકલ્પો સાકાર થાય તે માટે પ્રાર્થના અને ધૂન કરી હતી. જેમ કે આગામી વર્ષા ઋતુમાં ખૂબ સારો વરસાદ થાય, મબલક પાકનું ઉત્પાદન થાય, સહુની આર્થિક પ્રગતિ થાય, સમગ્ર દેશ અને વિશ્વમાં સંપ, સહકાર, સેવા મહિમા તેમજ ભકિતભાવના વધે. સહુનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ સહુનું ભલું કરનારા મંદિર નિર્માણ જેવા કાર્યો સત્વરે સમ્પન્ન થાય અને સર્વત્ર સુખ-શાંતિ પ્રવર્તે એવી પ્રાર્થના શ સહુએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી હતી. આજના આ શુભ પ્રસંગે રાજી થઈને ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વાદ આપ્યા હતા કે, 'આ અક્ષરદેરી સૌના મનોરથ પૂર્ણ કરનારૂ મહાપ્રતાપી સ્થાન છે. અહીંયા મહાપૂજા, પ્રદક્ષિણા અને ધૂન કરીને ભકતો જે કંઈ પ્રાર્થના કરશે તે સર્વે સંકલ્પો અક્ષરદેરી સિદ્ઘ કરશે. અહીંયા આવનાર તમામને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.' વળી મહંતસ્વામી મહારાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'તમામ ગુણાતીત ગુરુઓએ કયારેય ભગવાન થવા પ્રયત્ન કર્યો નથી. તેઓએ હંમેશા ભગવાનને ઓળખાવ્યા છે. સહુને ભગવાનની ભકિતમાં જોડ્યા છે. આવા મહાન ગુરુઓની ઈચ્છા મુજબ અક્ષરપુરષોતમનો ડંકો આખા જગતમાં વાગશે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે, મારું કાર્ય સતત ચાલુ રહેશે તો આજે એ સંકલ્પનો પ્રતાપ આપણે જોઈ રહ્યા છીએ. આજે આ મંગલપ્રસંગે સૌના શુભ સંકલ્પો પૂરા થાય, સૌની આર્થિક મુશ્કેલી દૂર થાય એવા આશીર્વાદ છે. બધામાં ખૂબ ભકિતભાવ વધે, મહિમા, ત્યાગ અને વૈરાગ્ય પણ ખૂબ વૃદ્ઘિ પામે, સૌની પ્રગતિ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.'

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર જે સ્થળે થયો હતો ત્યાં રચાયેલ વિમાન આકારનું મંદિર 'અક્ષરદેરી' તરીકે સુપ્રસિદ્ઘ છે. પવિત્ર ગોંડલી નદીને કિનારે સુંદર વિમાન આકારની અક્ષરદેરીમાં ભગવાન સ્વામિનારાયણના મહાપ્રસાદીક પથ્થરમાંથી કંડારેલા ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલ ખાતે આવેલી અક્ષરદેરીનો અપરંપાર મહિમા છે. તન અને મનના તાપ સમાવતી, શુભ સંકલ્પો સિદ્ઘ કરનારી, મહાપ્રતાપી અક્ષરદેરીનો મહિમા અનેરો છે.

સાક્ષાત અક્ષરબ્રહ્મ નું સમાધિસ્થાન અક્ષરદેરીમાં થતી નિત્ય મહાપૂજા, પ્રદક્ષિણા અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અને પ્રાર્થનાનો અદભુત મહિમા છે. તન અને મનના તાપથી પીડાતાં ભકતો મંત્ર-તંત્રને બદલે અક્ષરદેરીમાં શ્રદ્ઘાપૂર્વક ભગવાનની પૂજા-પ્રદક્ષિણા અને પ્રાર્થનાથી સુખ શાંતિપૂર્ણ જીવન પામે છે.  સૌના શુભ સંકલ્પો અહીં પૂર્ણ થાય છે. અગણિત ભકતોને સુખ આપનારી આ મહાચમત્કારી અક્ષરદેરીને દોઢસો વર્ષ પૂર્ણ થતા, ભવિષ્યના સેંકડો વર્ષો સુધી ભકતોને અક્ષરદેરીના દર્શનનો લાભ મળતો રહે તેવા શુભહેતુથી, ઉપલબ્ધ આધુનિક ટેકનોલોજીના વિનિયોગથી, અક્ષરદેરીનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું.

અક્ષરબ્રહ્મ એટલે ભગવાનનું સાક્ષાત અક્ષરધામ. અક્ષરદેરી સાક્ષાત અક્ષરધામનું સમાધિ સ્થાન હોવાથી તેમજ તે અનેક ભકતોને શાંતિ અને દિવ્યતાનો સાક્ષાત્કાર કરાવનાર તીર્થસ્થાન હોવાથી નવીનીકરણ બાદ અક્ષરદેરીના શીતળ, સૌમ્ય અને આહલાદક દર્શન થઈ રહ્યા છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત મહાપૂજાની પરંપરા શરૂ કરાવી હતી.

અક્ષરદેરીમાં મહાપૂજા, પ્રદક્ષિણા અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાથી તન-મન- અને ધન એમ ત્રણેયના તાપ શમે છે. એવો અગણિત ભકતોનો અનુભવ છે. મહાપૂજાવિધિ એટલે ભકત મંડળ સહિત ભગવાનની પૂજાવિધિ. આ વિધિમાં વેદોકત મંત્રોચ્ચારપૂર્વક ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત ગુરૂપરંપરા, અવતારો, દેવો અને સદગુરુઓની ભકિતભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. અક્ષરદેરીમાં આ મહાપૂજાવિધિ નો નિત્યક્રમ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે શરૂ કર્યો હતો.

(4:12 pm IST)