Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મોરબીનાં પેપરસીલ ઉદ્યોગપતિનું પ્રેરક પગલુ ફેકટરીમાં જાતે જ ફાઇટર ટેન્કર વિકસાવ્યું

મોરબી તા.૨૨ : શહેર આસપાસ સિરામિક, દ્યડિયાળ અને પેપરમિલ સહિતના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. તો વળી ફેકટરીઓમાં આગના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે આગના બનાવો સમયે ફેકટરીમાં માલમિલકતને નુકશાન અટકાવવા મોરબીના યુવાન ઉદ્યોગપતિએ નવી જ દિશા ચીંધી છે. ફેકટરીમાં જાતે જ ફાઈટર ટેન્કર વિકસાવી પ્રેરણા પૂરી પાડી છે.

મોરબીમાં આવેલા ઉદ્યોગો, વિવિધ ફેકટરી અને અન્ય સ્થળોએ આગના બનાવો સમયે ફાયરની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવતી હોય છે જોકે ફેકટરી શહેરથી દુર હોય જયાં પહોંચતા ફાયરની ટીમને સમય લાગી જતો હોય છે અને કયારેક આગને પગલે ફેકટરી સંચાલકે નુકશાની સહન કરવાનો વારો આવે છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ - પેપરમિલ એસોના પૂર્વ પ્રમુખ અને તીર્થક પેપરમિલના ડાયરેકટર કિરીટભાઈ ફૂલતરીયાએ પોતાનું ફાયર ફાઈટર ટેન્કર વિકસાવ્યું છે. કિરીટભાઈ ફૂલતરિયા ને પોતાનું ફાયર ફાઈટર ટેન્કર વિકસાવવાનો વિચાર આવ્યો હતો જેથી તેને ૫૦૦૦ લીટરના ટેન્કરમાં ફાયર બ્રિગેડમાં વપરાતી સંપૂર્ણ સીસ્ટમ બેસાડી ટેન્કર તૈયાર કર્યું છે જેનો અંદાજીત ખર્ચ પણ માત્ર ૩ લાખ આસપાસ થવા જાય છે.

યુવા ઉદ્યોગપતિ કિરીટભાઈ ફૂલતરીયા જણાવે છે કે ફાયરનું ટેન્કર ૧૦ હજાર લીટર હોય છે જયારે ફેકટરી સંચાલકો ૫૦૦૦ લીટરના ટેન્કરમાં પણ આ સીસ્ટમ વિકસાવી સકે છે જે એક વખત ખર્ચ કરીને આગ જેવા બનાવોમાં મદદ મળી રહેશે તો વળી ફાયરની ટીમની રાહ જોયા વિના જ ફેકટરી જાતે આગ પર કાબુ મેળવી સકે તે માટે આ પ્રયોગ હાથ ધર્યો છે.(૨૩.૩)

(12:47 pm IST)