Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જૂનાગઢ જિલ્લાના ૧.૧૫ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવાશે

૪૩૩ આરોગ્ય કર્મચારી, ૮૦૫ આંગણવાડી કર્મચારી, ૯૪૯ આશા બહેનો, ૨૨૨ સ્વયંસેવકો, ૧૨૦ ઝોનલની નિગરાનીમાં પોલીયો નાબુદી મહાઅભિયાનઃ ૭૪૫ બુથ ઉપર કરાશે કામ

જૂનાગઢ તા.૨૨ :  જૂનાગઢ જિલ્લાનાં તમામ ગામો અને શહેરોમાં ૦ થી ૫ વર્ષનાં અંદાજે ૧,૧૫,૦૦૦ બાળકોને તા. ૨૮મીનાં રોજ રવીવારે દરેક ગામે પોલીયોનાં ૭૪૫ બુથ બનાવીને પોલીયો રસી પીવડાવવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી જે.કે. ઠેશીયાના માર્ગદર્શન તળે જિલ્લાનાં તમામ ગામો અને શહેરનાં ૦ થી ૫ વર્ષની વયજુથમાં આવતા બાળકો સાથે વાડી વિસ્તાર, છુટા છવાયા વિસ્તારમાં રહેતા બાળકોને ૨૫ મોબાઇલ બુથ અને રેલ્વે સટેશન, બસ સ્ટેશન, મોટામંદીરો, જાહેર સ્થળો, મેળા-બજારો જેવા જાહેર સ્થળોએ ૩૫ ટ્રાન્ઝીટ બુથો બનાવીને  તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી રક્ષીત કરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ૪૩૩ આરોગ્ય કર્મચારીઓ, ૮૦૫ આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, ૯૪૯ આશા બહેનો, ૨૨૨ અન્ય સ્વયંસેવકોની ટીમો બનાવી પોલીયો નાબુદી અભિયાનની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનું સુપરવિઝન ૧૨૦  ઝોનલ સુપરવાઈઝરો દ્વારા કરાશે. અને તમામ કામગીરીનું લાયઝનીંગ વર્ગ-૧નાં અધિકારી દ્વારા કરવામાં આવનાર છે.

આ પોલીયો નાબુદી અભિયાન રાઉન્ડમાં આપનાં નજીકનાં પોલીયો બુથ ઉપર આપનાં વહાલસોયા બાળકને લઇ જઇ પોલીયોની રસી અચુક પીવડાવવા અને બાળકોને પોલીયોનાં રોગ સામે રક્ષણ અપાવવા તમામ બાળકોનાં માતા-પિતા વાલીને અનુરોધ કરવામાં આવે છે. બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલીયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ આપનાં બાળકને ૨૮ જાન્યુઆરી ૨૦૧૮નાં પોલીયો રવિવારે ફરીથી પોલીયોની રસી પીવડાવજો, તેમજ આ ભગીરથ કાર્યમાં ગામ આગેવાનો, પદાધિકારીશ્રીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓએ યોગ્ય સહકાર આપવા ડો. સી.એ. મહેતા અને આ.સી.એચ. અધિકારી ડો.એચ.એચ.ભાયાની યાદીમાં જણાવાયુ છે.(૨૧.૧૩)

 

(12:04 pm IST)