Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ચંગીઝખાનને ભાલે પરોવનારા લોહાણા સમાજના આદિપુરૂષ વીરદાદા જશરાજનું શહીદ સ્મરણ

કોડીનાર : શ્રી રામચંદ્રના પુત્ર લવના વંશજો એટલે કે લોહરાણા જે નામ અપભ્રંશ થઇ અત્યારે લોહાણા તરીકે ઓળખાય છે. ઇ.સ.૧૧મી સદીમાં ધર્મઝનૂની આરબો અને ઇસ્લામની અસરમાં આવેલી મધ્ય એશિયાની રખડતી એવી જાતીઓનું ભારત પર સતત આક્રમણ ચાલુ હતુ. તે સમયે રાજયને ટકાવી રાખવા લોહરાણાઓ બલિદાન પણ આપતા હતા. ઇતિહાસકાર કર્નલ ટોડે તો ત્યાં સુધી કહ્યુ છે કે, ભારતની પ્રાચીન ક્ષત્રિય જાતી કોઇ હોય તે તે લોહાણા જાતિ છે. લોહાણાઓ મુળ લોહરગઢના કહેવાય છે. લોહરગઢ એટલે આજનું પાકિસ્તાનમાં આવેલુ લાહોર શહેર. વીરદાદા જશરાજને આજે પણ લોકો પુજે છે. માત્ર લોહાણા જ નહી પરંતુ કચ્છના સારસ્વત બ્રાહ્મણો તેમજ ભાટીયા કોમના લોકો પણ વીર જશરાજને માને છે. ગૌરક્ષા કાજે બલિદાન આપવામાં લોહરાણાઓએ કયારેય પાછી પાની કરી નથી. પ્રાણ જાય પણ વચન ન જાય, એમના શૌર્ય તેમજ બલિદાની કથા રોચક અને રોમાંચક છે. ગૌરક્ષા કાજે એમણે શહીદી વહોરી હતી. એક સંશોધન પ્રમાણે રર જાન્યુઆરીના રોજ વીરદાદા જશરાજનો શહાદત દિવસ છે. એ વીર મહાપુરૂષની સ્મૃતિ સૌને થાય અને નવી પેઢી એમના પુર્વ વંશ જ વિશે માહિતગાર થાય એ ઉદેશથી દાદા જશરાજની વીરગાથા અહી વર્ણવી છે.

વીરદાદા જશરાજના જન્મ, રાજયાભિષેક અને વીરગતિના સમય વિશે અનેક મતમતાંતર છે. આ લેખમાં જન્મ ઇ.સ. ૧૦૩ર છે. રાજયાભિષેક ૧૦૪૮ છે અને વીરગતિ ૧૦પ૮ ગણાવાય છે. આ હિસાબે મહાસુદ પાંચ ૧૧૧૩ (વસંત પંચમી) અથવા રર-૧-૧૦પ૮ના દાદા જશરાજ વીરગતિ પામ્યા છે.

લોહરાણાઓના ચોવીસ રાજયોએ લોહરચોવીસી બનાવી હતી અને તેનુ પ્રતિનિધિત્વ લોહરગઢના મહારાણા વસુપાળ કરતા હતા. વસુપાળના ઘરે વીરદાદા જશરાજનો જન્મ ઇ.સ. ૧૦૩રમાં થયો હતો. જશરાજ ઉપરાંત વસુપાળને વત્સરા તથા દેવરાજ નામના બે પુત્રો હતા. દેવરાજનું બાળપણમાં જ મૃત્યુ થયુ હતુ અને હરકોર નામની પુત્રી હતી જે બાળ વિધવા હતી.

વસુપાળનું ઇરાનીઓ સાથેની લડાઇમાં મૃત્યુ થતા વત્સરાજને ગાદી પર બેસાડવામાં આવ્યા લોહરગઢની સતાની નબળાઇનો લાભ ઉઠાવી અફઘાન સરદારે આક્રમણ કર્યુ. આ લડાઇમાં વત્સરાજના બંને પગ કપાઇ જતા માત્ર ૧૬ વર્ષની ઉંમરે ૧૦૪૮માં જશરાજનો રાજયાભિષેક કરવામાં આવ્યો. જગતના મહાન સમ્રાગ બનવાના સપના સેવતા ચંગેજખાનને જશરાજે ૧૦પ૦માં મુલતાનના કિલ્લા પર ૧૦ મણના ભાલાનો એક જ ઘા મારી ચંગેજખાનનું મસ્તક ઉડાવી સમગ્ર યુરોપમાં હાશકારો કરાવ્યો હતો.

બિદાયુની ટોળી દ્વારા બિજનોર પર હુમલા વખતે રક્ષા કાજે બિજનોર તેમજ લાતુરના સૈન્યો શહીદ થઇ જતા બિજનોરના રાણા સાથે દગો કરનાર લાતુર રાણા મેઘરાજ પરત ફરતા તેમની પત્નિએ જ તેને મોતને હવાલે કરી ત્યારબાદ બિજનોરની રક્ષા કાજે હજારો લોહરાણીઓએ કેસરીયા કર્યા. લાતુરનો કિલ્લો પડવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે જશરાજે સૈન્ય સાથે દાખલ થઇ બિદાયુના સરદારને મોતને ઘાટ ઉતારી લાતુર પર સુર્યવંશી વાવટો ફરકતો રાખ્યો હતો.

વીરદાદાના પરાક્રમોથી ફફડતા અફઘાનોની કાબુલ ખાતે એક બેઠક મળી જશરાજના માથા સાટે ઇનામની જાહેરાત થતા જ ગુપ્તવેશે બેઠેલા ફતવો બહાર પાડનારનું માથુ ઉતારી લીધુ અને યુધ્ધમાં ફતેહ હાંસલ કરી કાબુલ પર રઘુવંશી ધ્વજ ફરકાવ્યો હતો.

વીરદાદાના જશરાજના લગ્ન ઉનળકોટના રાણા રઘુપાલની પુત્રી હેરમા કુમારી સાથે થવાની તૈયારી ચાલુ હતી. તે વખતે આનંદ ઉલ્લાસનો માહોલ હતો. લોહરાણીઓ મંગળ ગીતડા ગાતી હતી તે જ સમયે મલેચ્છ સૈન્ય કંદહાર હિંકુશની પર્વતમાળાઓની સરહદી થાણાઓથી દુરના પહાડી ખીણ માર્ગેથી અચાનક લાતુરગઢ પર આક્રમણ કરે છે. ઉનળકોટ અને લાતુરકોટ ઉત્તર દક્ષિણની એક જ ધરી પરના ટીંબાટેકરા પરના શહેર હોવાથી સેનાપતિ સિંધુ શર્મા જશરાજના લગ્નમાં ભંગ ન પડે તેવા દ્રઢ ઇરાદાથી મલેચ્છ સેના પર ત્રાટકયા અને તેઓને ભગાડયા.

આ બાજુ બ્લાહટીઓનું ટોળુ ઉનળકોટ તરફ આવે છે. મિંઢોળબંધા જશરાજ ઉનળકોટનો લાતુર દરવાજો બંધ હોવાથી કટયા. સમસુદીને ઉનળકોટને ઘેરી લીધુ અને પોતાના સૈન્યોમાં ગાયોના ધણ ફેલાવી દીધા. જશરાજે બંધ દરવાજા ખોલાવી મલેચ્છ સૈન્ય પર આક્રમણ કર્યુ. બધાને સાફ કરી લાતુર દરવાજા બહાર કાઢી મુકયા પોતાના સૈન્યનો ખુરદો બોલતો જોઇ સમસુદીન પોતાના પડાવ તરફ ભાગ્યો. સમસુદીનને માર્ગમાં સોમસિંહ દાવડાએ વિંધી નાખ્યો અને જશરાજના ચરણમાં તેનુ માથુ ધરી દીધુ. આ બાજુ જશરાજ પણ ધાકથી લોથપોથ થઇ ગયા હતા. વીર જશરાજ લાતુર ઘાટ પર પહોંચે છે. વિજયના વધામણા થાય છે. તે વખતે લોહર ઠાકુરના વેશમાં દુરાની શત્રુ પ્રણામ કરવાના બહાને દગાથી જશરાજનું માથુ વાઢી નાખે છે તેની બીજી ક્ષણે લોહર ઇન્દ્રપાલનો ભાલો ખુની બ્લોચ સરદારની છાતીમાં પરોવી તેને ધરતીમાં જ જડી દે છે. તેનુ ધડ શત્રુઓ સેનાનીઓને વિંધવા માંડે છે. તેનો ધડ દેહ પડતો નથી. બધાને નવાઇ લાગે છે. વત્સરાજ પોતાના ભાઇ જશરાજના આત્માને શાંતિ બક્ષવાની પ્રતિજ્ઞા લે છે. જેમાં જશરાજના લગ્ન શોકની યાદ જાળવવા વરાજજાજાને સફેદ તેમજ ગુલાબી કપડાનો કટકો બાંધવામાં આવે છે તેમજ વર-કન્યાના આસન નીચે સાંબેલુ લોહાણા જ્ઞાતિએ લગ્ન પ્રસંગમાં રાખવુ. એ સિવાય વીરદાદાનો દેવાંગી અશ્વ લાલુની યાદમાં નવદંપતિને વરઘોડીયાના નામથી સંબોધી તેની યાદને અમર કરવી. લોહરાણીઓ સફેદ પાનેતર પહેરીને ઇષ્ટદેવ વીરદાદા જશરાજની શહીદીનો શોક મનાવશે. આજે પણ લોહાણા દંપતિ લોહર રાણાના સરદારોની પ્રતિજ્ઞા પાળે છે.

આજે પણ વઝીરીસ્તાનના પહાડી પ્રદેશમાં તાયફાવાળી પહાડી નજીક વીરદાદા જશરાજની ખાંભી છે. આ સ્થળ હાલમાં 'જશા-દા-દેરા'ના નામે ઓળખાય છે. સ્થાનિક લોકો તેમને પુજે છે અને આ સ્થળે મક્રર સંક્રાંતિનો મેળો ભરાય છે. જેને લોકો 'જીરગા' કહે છે. સેનાપતિ સિંધુ શર્માએ કાબુલના શહેનશાહ શાહ જલાલને ભાલો મારીને જે સિંહાસન સાથે જડી દીધો હતો તે સિંહાસન આજે પણ કંદહારના મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યુ છે. (૩-૬)

સંકલન

વિજય ડી. કાનાબાર

અશ્વિન ડી. કાનાબાર

(12:03 pm IST)