Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાષ્ટ્રપતિના આગમનને પગલે રાજકોટ-ગોંડલમાં સજ્જડ બંદોબસ્ત

૩૦ ડીવાયએસપી, એસ.પી., ૧૦૦ પી.એસ.આઇ., પી.આઇ. અને ૭૦૦ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાતઃ ગોંડલથી રાજકોટ તરફ આવવા માટે ડાઇવર્ઝન : એરપોર્ટ ઉપર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઃ સરકિટ હાઉસમાં રાષ્ટ્રપતિના કાફલાને ઉતારો, તાલુકા મામલતદારને જવાબદારી

ગોંડલ તા. ૨૨ : અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં આજે સોમવારના ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સાંજે ૪ કલાકે આવી રહ્યા હોય તેઓ દ્વારા અક્ષરદેરી પૂજા, યોગી સ્મૃતિ મંદિર દર્શન કરી સ્વામિનારાયણ નગર ખાતે મુખ્ય સભાને સંબોધન કરશે સાથે રાજયપાલ ઓ.પી.કોહલી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતનાઓ હાજર રહેનાર છે.

રાષ્ટ્રપતિના આગમનને પગલે પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જે અંગે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ જણાવ્યું હતું કે ૩૦ સિનિયર ડીવાયએસપી, એસ.પી, ૧૦૦ પી.એસ.આઇ., પી.આઈ., અને ૭૦૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. રાજકોટ થી લઇ ગોંડલ સુધી ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે રાષ્ટ્રપતિના કલોઝ પ્રોટેકશન માટે સુરક્ષાચક્ર પણ બનાવાયું છે.

કલેકટરશ્રીના જાહેરનામાનો લઈ શહેર પોલીસ દ્વારા આસાપુરા ચોકડીથી ગોંડલના કોલેજ ચોક સુધીના રોડને વન-વે જાહેર કરાયો છે. ભારે વાહનો માટે પ્રતિબંધ લદાયો છે , રાજકોટથી આવનાર વાહન શહેરમાં પ્રવેશી શકશે જયારે ગોંડલથી રાજકોટ જવા માટે કાશીવીશ્વનાથ રોડ રામ દ્વારા માર્ગને ડાઇવર્ઝન અપાયું છે.રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી વિગેરે ગોંડલ આવી રહ્યા હોય રાજકોટ અને ગોંડલ બન્ને સ્થળે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

રાજકોટ કલેકટર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે આજે સવિશેષ રીપોર્ટ મેળવાયો હતો. એરપોર્ટ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન અને ફુલપ્રુફ બંદોબસ્ત ગોઠવાયાનું કલેકટરે ઉમેર્યુ હતું.

સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિના કાફલાની વ્યવસ્થા કરાઈ હોય, પોલીસ તંત્રની સુરક્ષા ઉપરાંત તાલુકા મામલતદાર શ્રી ખાનપરાને જવાબદારી સોંપાયાનું ઉમેરાયુ હતું.

(3:25 pm IST)