Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ભારત માતાની જય... ભાવનગરના ૩૨ તબીબો બોર્ડર ઉપર ઝળહળાવશે 'આરોગ્યલક્ષી' સેવા જ્યોત

'સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવનશૈલી સાયકલ યાત્રા' માટે રવાનાઃ ૨૫મીએ પહોંચશેઃ નડાબેટ (ભારત - પાક) બોર્ડર ઉપર બીએસએફના જવાનોનું હેલ્થ ચેકઅપ કરી પર્ણકુટીના છોડનું કરશે વિતરણઃ ગણતંત્ર દિવસની ઉજવણી પણ જવાનો સાથે કરશે... ડોકટરો સાથે તબીબી છાત્રો પણ જોડાયા

ભાવનગર તા. ૨૨ : અહીંયા સરકારી મેડીકલ કોલેજ, મેડીકલ એસોસીએશન, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન - ભાવનગર યુનિટ તેમજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ - અમદાવાદ અને ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન - ભાવનગર બ્રાંચના સંયુકત ઉપક્રમે રાજ્યના નાગરિકોમાં હૃદયરોગ, હાઇ બ્લડપ્રેશર ડાયાબીટીસ, કેન્સર, ડીપ્રેશન, મોટાપો, હાડકા નબળા પડવા જેવા ગંભીર રોગોને અટકાવવા માટે જરૂરી સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેમજ તબીબી વ્યવસાય પ્રત્યે સંવેદનશીલતા લોકોમાં કેળવાય તેવા શુભ હેતુથી ભાવનગરના કુલ ૩૨ તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે ૫.૩૦ કલાકે સરકારી મેડીકલ કોલેજ, ખાતેથી નડાબેટ (ભારત - પાક) બોર્ડર સુધી સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવનશૈલી સાયકલ યાત્રા માટે રવાના થયા છે.

દરમિયાન તા. ૨૫મીએ ભાવનગરના તબીબો દ્વારા ભારત - પાક બોર્ડરની છેલ્લી ચોકી નડાબેટ ખાતે બી.એસ.એફ.ના જવાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવશે. સાથે સાથે પર્ણકુટીના છોડનું વિતરણ પણ જવાનોને કરવામાં આવશે. એવી જ રીતે ૨૬મીએ જવાનો સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી સાયકલયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

 

(9:16 am IST)