Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પોરબંદર જિલ્લામાં સેલ્‍ફ ફાઇનાન્‍સ શાળાઓના આચાર્યોની ભુમીકા અંગે સેમીનાર યોજાયો

શિક્ષણની ગુણવતા ઉંચી લાવવા અને પરીણામો લાવવા અંગે ચર્ચા કરાઇ

પોરબંદર, તા., ૨૮: શ્રી માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલીત ડો.વિ.આર.ગોઢાણીયા બી.એઙ કોલેજમાં શિક્ષણ સુધારણા અંતર્ગત પોરબંદર જિલ્લાની સેલ્‍ફ ફાઇનાન્‍સ માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાના આચાર્યોની ભુમીકા વિષયક સેમીનાર યોજાયો હતો.

આ સેમીનારના પ્રારંભમાં ગોઢાણીયા ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલના આચાર્ય ભાવનાબેન અટારાએ ગોઢાણીયા સ્‍કુલનો ગુણવતાલક્ષી પ્રવૃતિઓનો ઉલ્લેખ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. ધોરણ ૧૦-૧રના બોર્ડના પરીણામોનું સ્‍તર ઉંચુ આવે તે અંગે માર્ગદર્શન આપતા સૌ આચાર્ય મિત્રોને પોરબંદરના જિલ્લા શિક્ષણાધીકારી કે.ડી.કણસાગરાએ પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે બાળકોમાં અદભુત શકિતઓ ધરબાયેલી હોય છે તેને દિશા-દિર્શન આપવાનું કામ આચાર્યાનું છે. આવતીકાલની સદી ટેકનોલોજીની છે. આથી હવે ગોખણપટ્ટીનો યુગ સમાપ્ત થયો છે. ત્‍યારે શિક્ષણનો ગુણવતા ઉંચી લાવવા માટે પરીણામોમાં આ જિલ્લો મોડલ જિલ્લો બને તેવી અભિલાષાસેવીને વહીવટ અને શિક્ષણ બન્ને પાંખ મજબુત હોય તો જ શિક્ષણની ગુણવતાનું સ્‍તર ઉંચુ લાવી શકાશે.

જીલ્લા શિક્ષણાધીકારીની કચેરીમાં ગાંધીનગરથી ટ્રાન્‍સફર થઇને આવેલા વર્ગ-ર ના અધિકારી એજયુકેશનલ ઇન્‍સ્‍પેકટર (ઇ.આઇ.) ડો.હર્ષવર્ધન સિંહ આર.જાડેજાએ જણાવ્‍યું હતું કે શિક્ષણની પ્રગતીના પાયામાં આચાર્યની ભુમીકા ચાવીરૂપ છે. શિક્ષણ સંસ્‍થાઓ જયારે કેળવણીની સંસ્‍થાઓ બનશે ત્‍યારે શિક્ષણની ગુણવતા સ્‍તર આપોઆપ આવશે ત્‍યારે શિક્ષણની ગુણવતાનું સ્‍તર આપોઆપ આવશે આથી બાળકોને શિક્ષણની સામે કેળવણી આપવાની હિમાયત કરી હતી.

ડો. વિ.આર.ગોઢાણી બી.એડ કોલેજના ડાયરેકટર અને કેળવીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાએ સંબોધન કરતા જણાવ્‍યું હતુ઼ કે તેજસ્‍વી આચાર્યએ શાળાનું ચાલક બળ છે. શિક્ષણની ગુણવતા સુધારવાના ત્રણ પાયા ક્રિએટીવીટી કમીટમેન્‍ટ અને કમ્‍યુનિકેશનને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.

સેમીનારમાં આચાર્યશ્રીઓ સાથે આચારસંહિતા, મતદાર જાગૃતી કાર્યક્રમો, બોર્ડના પરીણામો સુધારણા વિદ્યાર્થીઓની નિયમીતતા એફઆરસી અન્‍વયે માહીતી ફાયર સેફટી પોસ્‍કો એકટ સહીતના વિવિધ મુદાઓ પર ઘનિષ્‍ઠ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંચાલન ગોઢાણીયા ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કુલના કો-ઓર્ડીનેટર મનિષાબેન પંડીતે સંભાળ્‍યું હતું. જયારે આભાર દર્શન ગોઢાણીયા ગર્લ્‍સ હાઇસ્‍કુલના આચાર્યા શ્વેતાબેન રાવલે કર્યુ હતું. સેમીનારમાં જીલ્લાની વિવિધ માધ્‍યમીક ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓનો આચાર્યો ઉપસ્‍થિત રહયા હતા. ડીઇઓ કચેરીના જુનીયર કલાર્ક રાહુલભાઇ જેઠવા ગોપાલભાઇ રાઠોડ, અભયભાઇ થાનકી તથા ગોઢાણીયા સ્‍કુલના સ્‍ટાફ પરીવારે જહેમત ઉઠાવી હતી.

(12:16 pm IST)