Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગોંડલના કોલીથડની યુવતિને ચીરોડામાં પ્રેમીના કાકા-પિતાએ માર માર્યોઃ ઝેર પીવડાવ્યાનો આક્ષેપ

યુવતિ બે વર્ષ પહેલા લગ્ન પ્રસંગે ગઇ ત્યારે ચીરોડાના ઉમેશ સાથે પ્રેમ થયો હતોઃ ૧૮મીએ તે ભગાડીને લઇ ગયા બાદ ૨૫મીએ મારકુટ થઇઃ પરત કોલીથડ આવ્યા બાદ બહેને સારવાર માટે રાજકોટ ખસેડી

રાજકોટ તા. ૨૮: ગોંડલના કોલીથડ ગામે રહેતી મનિષા ઉર્ફ કાજલ બીજલભાઇ ધાડવી (કોળી) (ઉ.વ.૨૨) નામની યુવતિને ચોટીલાના ચીરોડા ગામના યુવાન ઉમેશ મનસુખભાઇ ચોેહાણ સાથે પ્રેમ હોઇ ઉમેશ તેણીને કોલીથડથી ભગાડીને તેના ગામ લઇ ગયા બાદ ઉમેશના કાકા બાબુભાઇ અને પિતા મનસુખભાઇ સહિતે મારકુટ કરી દવા પીવડાવી દેતાં તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

કાજલને રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. મનિાષ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે છે. તેણીની બહેન રાજકોટ ગંજીવાડામાં સાસરૃ ધરાવતી કોમલેબેન કહ્યું હતું કે મનિષા ઉર્ફ કાજલ ચીરોડા ગામે બે વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ગઇ હતી ત્યારે ત્યાંના ઉમેશ ચોૈહાણ જે  અમારી જ જ્ઞાતિનો છે તેની સાથે ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. ગત ૧૮/૧૧ના રોજ ઉમેશ મારી બહેનને કોલીથડથી તેના ગામ લઇ ગયો હતો અને પોતાના ભાઇ મહેશની ઘરે રાખી હતી.

પરંતુ ઉમેશના પિતા મનસુખભાઇ અને કાકા બાબુભાઇ મારી બહેનના લગ્ન ઉમેશ સાથે થાય તેવું ઇચ્છતા ન હોઇ જેથી તેઓ ઉમેશને લઇ ગયા હતાં. એ પછી ઉમેશના ભાઇ મહેશે પણ મારી બહેનને ઘરમાંથી નીકળી જવા અને પરત ઘરે જતા રહેવા કહ્યું હતું. પણ મારી બહેન ન જતાં તેણીને ૨૫મીએ ઉમેશના કાકા અને પિતાએ મારકુટ કરી હતી તેમજ મોઢામાં ઝેરી દવા રેડી દીધી હતી. જો કે તેણીએ ઉલ્ટી કરી દવા કાઢી નાખી હતી. એ પછી તેણીને પરત અમારા ગામ કોલીથડ લઇ જવાઇ હતી. ત્યાંથી મેં તેને સારવાર માટે રાજકોટ ખસેડી હતી. તેમ વધુમાં કોમલબેને કહ્યું હતું. મોલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)