Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભચાઉની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો લાપત્તા

૩૬ કલાકથી શોધખોળ : ત્રણેયની માતાઓનો વલોપાત, પરિવારનો આક્ષેપ તંત્ર ગરીબ પરિવાર હોઈ ધ્યાન આપતું નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 શનિવારે સાંજે ભચાઉની પરમ શાંતિ અંગ્રેજી સ્કૂલમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા ૬ વિદ્યાર્થીઓ સાંજના સમયે લોધેશ્વર સંપ હાઉસથી ૫૦૦ મીટર દૂર નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા. તેમાં વિવેક શક્તિસિંહ ચૌહાણ, પીન્સ જીતેન્દ્ર ઓઝા, આલોક રમેશ પડ્યા કેનાલના પાણીમાં નાહવા પડ્તા વહેતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જ્યારે વિશાલ નામનો બાળક સદભાગ્યે નજીકની દીવાલને પકડી લેતા પમ્પ હાઉસના કર્મચારીએ તેને બચાવી લીધો હતો.ત્યારબાદ તંત્રને જાણ કરવામાં આવતા ભચાઉ સુધારાઈની ફાયર ટીમ અને પોલીસ સ્ટાફ, મામલદાર કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. શનિવાર સાંજથી સોમવાર સવાર ૩૬ કલાક થયા હજી સુધી તેમની શોધખોળ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પણ, હજી સુધી તેઓ મળ્યા નથી. જોકે પાણીમાં ડૂબેલા બાળકો કેનાલના સાયફનમાં ફસાયા હોવાની ધારણાંને પગલે નર્મદાના પાણી બંધ કરવા જરૂરી જણાઇ હતી. જે થોડી વાર માટે બંધ કરવામાં આવ્યા બાદ ફરી શરૂ થઈ જતા ડૂબેલા બાળકો કે તેમના મૃતદેહો ક્યારે બહાર આવશે તે કહેવું હાલઘડી અશક્ય છે. જો પાણી બંધ કરવામાં આવે તો બાળકોની મળી શકે એવી સ્થિતિ નિર્માણ પામી છે. બાળકોની માતાઓ આક્રંદ કરી રહી છે. પરિવાર નો આક્ષેપ છે કે, તેઓ ગરીબ હોઈ તેમની શોધખોળ કરવામાં તંત્ર જોઈએ એવું ધ્યાન આપતું નથી.

(10:40 am IST)