Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

કાંધલ જાડેજા સામેના આક્ષેપો રાજકારણ પ્રેરિત છે : કુટુંબના અન્યોને પણ ખોટી રીતે સંડોવી દીધા છે : ઘટના વખતે ત્યાં હતા જ નહિ : નિરૂપમ નાણાવટીની ધારદાર દલીલો

રાજકોટ તા. ૨૮ : એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યાના કેસમાં નિર્દોષ મુકત કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટની ડિવીઝન બેંચે બહાલ રાખતા જાડેજાને મોટી રાહત મળી છે. સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ છોડતો ચુકાદો આપતા ફરિયાદી અને રાજ્ય સરકાર એમ બે જુદી-જુદી અપીલો સેશન્સ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવી હતી. જે અપીલમાં લંબાણપૂર્વકની સુનાવણી કર્યા બાદ ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે બંને અપીલો રદ્દ કરી છે. આ કેસનો વિસ્તૃત ચુકાદો આગામી દિવસોમાં આવી શકે છે.

હાઇકોર્ટ સમક્ષ બે અપીલ કરવામાં આવી હતી. જેમાં એક અપીલ દિલીપભાઇ ઓડેદરાએ કરી હતી અને બીજી અપીલ રાજ્ય સરકાર વતી દાખલ કરવામાં આવી હતી. બંને અપીલમાં મૂળ એવી રજૂઆત કરવામાં આવી છે કે નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ છોડવાનો જે આદેશ કર્યો છે એ ભૂલભરેલો છે તેથી તેને રદ્દ કરવામાં આવે અને કાંધલ જાડેજાને કાયદાકીય રીતે દોષિત ઠેરવી સજા કરવી જોઇએ. જ્યારે જાડેજા વતી સિનીયર એડવોકેટ શ્રી નિરૂપમ નાણાવટીએ એવી દલીલ કરી હતી કે 'નીચલી અદાલતના ચુકાદામાં કોઇ પણ પ્રકારની ખામી નથી. તેથી નિર્દોષ મુકત કરવાના આદેશમાં હસ્તક્ષેપ કરી જાડેજાને દોષિત ઠેરવવો જોઇએ નહીં. તેમની વિરૂધ્ધ આ હત્યા કેસમાં સંડોવણી હોય એવા કોઇ પુરાવા સામે આવ્યા નથી. તેમની સામેના જે આક્ષેપો છે તે રાજકારણ પ્રેરિત છે. કેમકે આ કેસમાં માત્ર તેમને જ નહી પરંતુ તેમના કુટુંબના અન્ય સભ્યોને પણ ખોટી રીતે આરોપી તરીકે સંડોવી દેવામાં આવ્યા છે. જ્યારે કે તેઓ તો ઘટના વખતે હાજર પણ નહોતા કે ત્યાં રહેતા પણ નહોતા. તેથી સ્પષ્ટ છે કે તેમની વિરૂધ્ધ રાજકીય કિન્નાખોરી રાખીને આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મામલે નીચલી અદાલતે યોગ્ય કાયદાકીય મૂલ્યાંકન કરીને ચૂકાદો આપ્યો હોઇ તેને નામદાર હાઇકોર્ટે પણ બહાલી આપવી જોઇએ. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટની ખંડપીઠ સરકાર અને ફરિયાદીની અપીલો રદ્દ કરી હતી.'

આ કેસની હકીકત મુજબ ૧-૩-૨૦૦૫ના રોજ પોરબંદરમાં કેશુ નેભા ઓડેદરા અને કાંધલ જાડેજા વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર કરી કેશુ નેભાની હત્યા કરી દેવામાં આવી હતી. જે કેસમાં કાંધલ જાડેજા અને સંતોકબેન સહિત આઠ આરોપી સામે કેસ નોંધી ટ્રાયલ ચલાવવામાં આવી હતી. ટ્રાયલના અંતે ચુકાદો આવતા નીચલી કોર્ટે તમામને નિર્દોષ છોડી દીધા હતા. તેથી સેશન્સ કોર્ટના ચુકાદા સામે રાજ્ય સરકાર અને ફરિયાદીઓએ કરેલી અપીલ ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી.

(11:50 am IST)