Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિસાવદરના ઉદ્યોગપતિ બીપીન રામાણીના ફાર્મહાઉસ પર ચૂંટણી ટાણે રાજકીય જમાવડો

પૂર્વ પ્રધાન ભાલાળા વિદેશ પ્રવાસેથી પરત ફરતા આગેવાનોનુ સ્નેહમિલન : ભાજપ સમર્પિત-સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા ગહન ચર્ચા : રાજકીય ગરમાવો

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૮ :  વિસાવદરના સેવાભાવી અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઇ રામાણીના ફાર્મ પર ચૂંટણી ટાણે જ રાજકીય જમાવડો એકત્રિત થતા રાજકીય ગરમાવા સાથે અવનવા તર્કવિતર્કે જોર પકડ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર-ભેસાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય-પૂર્વ કૃષી મંત્રી શ્રી કનુભાઈ  ભાલાળા દોઢ માસના વિદેશ પ્રવાસેથી પરત ફરતા બીપીન રામાણીના ફાર્મ હાઉસ ખાતે ભાલાળાના સ્વાગત-સન્માન માટેનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી પોપટભાઈ રામાણી,ભાસ્કરભાઇ જોષી,ઘનશ્યામભાઇ સાવલિયા,રમણીકભાઇ દુધાત્રા, વિરેન્દ્રભાઇ સાવલિયા,મધુભાઇ પદમાણી સહિત સમગ્ર વિધાનસભા મતક્ષેત્રના વિવિધ ક્ષેત્રના સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ પૂર્વ -પ્રધાન કનુભાઈ ભાલાળાનુ વિદેશ , પ્રવાસેથી સ્વદેશ પરત ફરતા હાર પુષ્પોથી ઉપસ્થિત સૌએ સ્વાગત-સન્માન કર્યુ હતુ.

દરમિયાન બહાર આવેલી વિગતો અનુસાર વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર ભાજપે પક્ષને સમર્પિત-સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા પણ ગહન ચર્ચા-વિચારણા થઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે,વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમા બીપીન રામાણી સતત સક્રિય છે,તેમના પિતાશ્રી પોપટભાઈ રામાણી માજી ધારાસભ્ય-તા.પં. પ્રમુખ-જિ.પં.ચેરમેન-યાર્ડ ચેરમેન-જિલ્લા સહકારી બેંક વાઇસ ચેરમેન-એમ.ડી.રહી ચૂકયા છે.જેથી તેઓનુ જબરૃ વર્ચસ્વ હોવાનુ ગણાવાઇ રહ્યુ હોય,આ બેઠકના પરિણામે સમગ્ર પંથકમા રાજકીય ગરમાવા સાથે અવનવી ચર્ચાઓએ જોર પકડયુ છે.

(1:41 pm IST)