Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

વિસાવદરના જાવલડી ગામે રાત્રે દિપડો ત્રાટકયો : એક વ્યકિત ઘાયલ : ગંભીર સ્થિતીમાં જૂનાગઢ ખસેડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૮ : જાણવા મળતી વિગતો અનુસાર વિસાવદર તાલુકાના જાવલડી ગામે રાત્રિના મકાનની ઓસરીમાં સુતેલ એક વ્યકિત પર ખૂંખાર દીપડાએ હુમલો કરતા પ્રથમ વિસાવદર અને બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામા આવ્યા છે.

વિસાવદર પંથકમાં છેલ્લા પાંચ છ માસથી ઘરમાં ઘૂસી દીપડાઓની રંજાડ વધી જતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

વિસાવદર તાલુકાના ગીર બોર્ડરનું છેલ્લું જાવલડી ગામ છે.ગત રાત્રિનાં ૯.૩૦ વાગ્યાની આસપાસ ગામમાં રહેતા રામકુભાઈ સામતભાઈ કહોર ઉં.વ.૪૮ જમીને મકાનની ઓસરીમાં સુતા હતા ત્યારે અચાનક એક ખૂંખાર દીપડાએ હુમલો કરી તેમને માથાના ભાગેથી પકડી લીધેલ જેથી રામકુભાઈ દીપડાને ધક્કો મારી હાકલા પડકારા કરતા દિપડો ત્યાંથી ભાગી ગયેલ ત્યારબાદ પરિવારના સભ્યો જાગી જતા રામકુભાઈને માથાના ભાગેથી લોહી નીકળતું હતું.

જેથી તેમને તાત્કાલિક વિસાવદર હોસ્પિટલે સારવાર અર્થે લઈ આવેલ જયાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ઙ્ગઅર્થે જૂનાગઢ ખસેડાયેલ છે.

વિસાવદર પંથકમાં છેલ્લા પાંચ છ માંસથી દીપડાઓની રંજાડ વધી ગયેલ છે.જેમાં મકાનની અંદર ઘૂસીને દિપડાના હુમલાના બનાવો વધતા લોકોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.જેથી લોકોએ માંગણી કરેલ છે કે,આવા ખૂંખાર દીપડાઓ અન્ય કોઈ નુકસાની કરે તે પહેલા વન વિભાગ તેમને તાત્કાલિક પાંજરે પુરી આ દીપડાની રંજાડમાંથી મુકિત અપાવવા માંગણી કરેલ છે.

(1:37 pm IST)