Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ભુજના એલએલડીસી ક્રાફટ મ્યુઝીયમ મધ્યે કચ્છી નવા વર્ષ 'અષાઢી બીજ'ના નવી આર્ટ ગેલેરી ખુલ્લી મુકાશે

શ્રોફ પરિવાર દ્વારા સ્થપાયેલ આ ક્રાફટ મ્યુઝીયમ કચ્છી હસ્તકલાનું અદ્ભુત જીવંત સંગ્રહાલય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮

 આજે કચ્છી હસ્તકલાના નિદર્શન અને અભ્યાસ માટે ભુજ નજીક અજરખપુર મધ્યે આવેલ એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝિયમ દેશ અને વિદેશમાં ખ્યાતનામ છે. અહીં હસ્તકલા પ્રેમીઓ અને પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. મુરબ્બી કાન્તિસેન શ્રોફ 'કાકા' ની પ્રેરણાથી સ્થાપિત અને શ્રોફ પરિવાર દ્વારા સંચાલિત એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝિયમના વ્યવસ્થાપક મહેશ ગોસ્વામી સતત કંઈકને કંઇક રચનાત્મક ઉમેરો કરી આ ક્રાફટ મ્યુઝિયમને સમૃદ્ધ બનાવવા પ્રયત્નો કરતા રહે છે.  એલ.એલ.ડી.સી. ખાતે હાલમાં "લિવિંગ એમ્બ્રોઇડરીઝ ઓફ કચ્છ" ની મુખ્ય ગેલેરી તેમજ વિવિધ આર્ટ-ક્રાફ્ટ અને કારીગરોને સમર્પિત ઇન્સ્પિરેશન ગેલેરી કાર્યરત છે, જે પ્રવાસીઓને તેમજ આર્ટ-ક્રાફ્ટ ના પ્રેમીઓને આકર્ષી રહી છે, એટલું જ નહિ પરંતુ કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિને સાચવી વંશ પરંપરાગત હસ્તકળાઓને ગરિમા આપી, સમગ્ર વિશ્વભરમાં સન્માનપૂર્વક પહોંચાડી રહી છે.

 

આ ગેલેરીઓમાં એક આગવી નૂતન ગેલેરી - "ભરત ભરેલાં આકાશ નીચે" નો ઉમેરો થઇ રહ્યો છે.  જેના પ્રથમ પ્રદર્શનમાં કચ્છના આહીર અને મેઘવાળ ગુર્જર સમુદાયના ભરતકામની આગવી શૈલીઓને તથા તેની સંસ્કૃતિ અને વિશિષ્ઠતાઓને ઉજાગર કરવામાં આવી છે.

 

કચ્છના સૌથી મોટા દિવસ અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષે તારીખ : ૧ જુલાઈ, ૨૦૨૨ શુક્રવાર ના સવારે ૧૦.૩૦ વાગ્યે આપ સૌની અનેરી ઉપસ્થિતિમાં અને આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે કચ્છ અને વિશ્વભરના હસ્તકલા પ્રેમીઓ માટે આ ગેલેરી ખુલ્લી મુકાશે.

(10:45 am IST)