Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

દ્રોણેશ્વર ગુરુકુલ નૂતન પ્રાર્થના મંદિરમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજ બિરાજશે : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાતમૂહુર્ત સંપન્ન: જમીનના દાતા હપાણી પરિવારનું સન્માન કરાયું

ઉનાઉના પાસે, મચ્છુન્દ્રી નદીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને મારુતિધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિસરમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિકવિધિ સાથે કરવામાં આવ્યું હતું.

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ચિંતનભાઇ જોષીના માર્ગદર્શન પ્રમાણે શાસ્તોક્ત વિધિ પ્રમાણે ખાત વિધિ  કરવામાં આવી હતી

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે પૂ. શા.ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂ. જોગી સ્વામીએ નાઘેર પંથકમાં ગામડે ગામડે ફરીને સત્સંગ નવ પલ્લવિત રાખેલ છે.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવેલ કે આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે પાંડવ ગુરુ દ્રોણાચાર્ય મહારાજે મચ્છુન્દ્રી નદીને કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળધારા વહી રહી છે. અહીં કષ્ઠભંજન દેવ બિરાજે છે. આ તીર્થ ભૂમિમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત થઇ રહેલ છે તેથી અમને ખૂબજ આનંદ છે. આ નૂતન પ્રાર્થના મંદિરમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજ બિરાજશે.

આ પ્રસંગે જમીનનું દાન કરનાર પુનાભાઇ, ગોવિંદભાઇ, ગોરધનભાઇ, બાબુભાઇ વગેરે હપાણી પરિવારોનું સન્માન કરવામાં આવેલ.

માતા પિતાનું પૂજન હર ઘરમાં થતુ રહે તે માટે  આ પ્રસંગે સ્વામીજીની પ્રેરણાથી માતૃ પૂજનનો અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  હપાણી પરિવારના વયોવૃદ્ધ માતુશ્રી કે જેણે પોતાની જીવાઇની જમીન નૂતન મંદિરમાં સમર્પણ કરેલ તેનું ઘરના બધા સભ્યોએ પૂજન કરવામાં કર્યું હતું.

આ પ્રસંગે જેણે જેણે આ નૂતન મંદિરમાં આર્થિક સેવા કરેલ તેનું બહુમાન કરવામાં આવેલ 

આ પ્રસંગે ઉના, ફાટસર, ઇંટવાયા, નાના સમઢિયાળા, પાણખાણ, મોટી મોલી, અંબાડા, રબારિકાખીલાવડ, ગીરગઢડા, જરગલી, દ્રોણ, જુના ઉગલા, નવા ઉગલા, વડવિયાળા, દુધાળા વગેરે ગામોમાંથી ભકતો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન વેદાન્તસ્વરુપદાસજી સ્વામીએ સુપેરે સંભાળેલ.

ખાત મૂહુર્તની વ્યવસ્થા ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, હરિદર્શનદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, ભક્તવત્સલદાસજી સ્વામી, કુંજવિહારીાદાસજી સ્વામી વગેરેએ સંભાળી હતી.

(11:50 am IST)