Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જામનગરમાં લોકો માટે સ્‍પોર્ટસ ઓથોરિટી દ્વારા સંચાલિત ગરમ પાણીના સ્‍વિમિંગ પુલઃ શિયાળામાં એકમાત્ર સ્‍વિમિંગ પુલ કાર્યરત

સ્‍વીમરો અને સ્‍વાસ્‍થ્‍યની જાળવણી રાખતા લોકો માટે સ્‍વિમિંગ પુલ ખુબ ફાયદારૂપ

જામનગરઃ જામનગરમાં સૌરાષ્‍ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્‍વિમિંગ પુલે અનોખુ આકર્ષણ જમાવ્‍યુ છે. શિયાળાની ઠંડીમાં ગરમ પાણીની મોજ શહેરીજનો માણી રહ્યા છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ઠંડા પાણીથી દૂર ભાગતા હોય છે અને ખાસ કરીને સ્વિમિંગ પૂલનો તો વિચાર પણ કોઈ ન કરતા હોય એવા સમયે જામનગરમાં સૌરાષ્ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્વિમિંગ પૂલ અનોખું આકર્ષણ જગાવી રહ્યું છે. શહેરમાં ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમના ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં લોકો શિયાળાની ઠંડીમાં પણ ગરમ પાણીમાં નાહવાની મોજ માણી રહ્યા છે.

જામનગર શહેરના ક્રિકેટ બંગલો પરિસરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સતત બે વર્ષની અથાગ મહેનત બાદ રૂપિયા 6 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ ઇન્ડોર સ્વિમિંગ પૂલને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ખાસ કરીને આ ઇન્ડોર સ્ટેડિયમમાં ગરમ પાણીનું સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્વિમિંગ પૂલ હોય ત્યારે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જામનગરમાં સૌરાષ્ટ્રના એકમાત્ર ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં 42 એમ્પીયરના ખાસ વોટર હીટર મશીન દ્વારા પાણીને ગરમ રાખવામાં આવે છે. ખાસ કરીને 36 થી 48 કલાકની જહેમત બાદ સ્વિમિંગ પુલ ની અંદર 26 થી 30 ડિગ્રી તાપમાન ધરાવતું પાણી ગરમ થઇ જાય છે. જેના પગલે સ્વીમરો પુલની અંદર ગરમ પાણીમાં નાહવાનો અને સ્વીમિંગ કરવાનો આનંદ માણી શકે છે.

ખાસ કરીને શિયાળાના સમયમાં ઠંડા પાણીના કારણે તમામ સ્વિમિંગ પૂલ બંધ રહેતા હોય છે, પરંતુ અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલમાં પાણી ગરમ રહેવાના કારણે કોમ્પિટિશનની પ્રેક્ટિસ કરતા સ્વીમરો અને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કાયમીપણે સ્વીમીંગ કરતા લોકોને પણ ખૂબ ફાયદો થાય છે.

અનુભવી ટ્રેનરો દ્વારા કોચિંગ આપવામાં આવી રહ્યું છે. હાલ ભાઈઓની 5 બેચ અને બહેનોની 2 બેચ ચાલી રહી છે, ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ સૌરાષ્ટ્રનું જામનગર ખાતે આવેલું એકમાત્ર ગરમ પાણીનું સ્વીમીંગ પુલ સમગ્ર ગુજરાતમાં આકર્ષણ જગાવી રહ્યું છે.

(4:59 pm IST)