Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પુત્રીની માનતા પૂર્ણ કરવા ચોટીલા જતા બાઇકને ડમ્‍પરે હડફેટે લેતા અંકુશ કાવેઠીયાનું મોત

સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ગોડાઉન પાસેની ઘટના : અકસ્‍માતના બનાવમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

(ફારૂક ચૌહાણ દ્વારા ) સુરેન્‍દ્રનગર, તા. ર૮ : પોતાની પુત્રીની માનતા પુરી કરવા લીંબડીથી ચોટીલા જતા યુવાનના બાઇકને એક ડમ્‍પરે અડફ્‌ટે લેતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત બાદ રોડ પર પસાર થતા વાહનચાલકો તેમજ પોલીસ દ્વારા ઇજાગ્રસ્‍ત યુવાનને સરકારી દવાખાને ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્‍યું હતું. શ્રમજીવી પરિવારના અંકુશભાઇ ભરતભાઇ કાવેઠીયા તથા તેમના, પતિ અને પત્‍ની તેજલ બેન બંને બાઈક  લઇને લીંબડી કામ પતાવી ત્‍યાંથી નાની પુત્રીને કમળો થયેલ હોય તેની માનતા પુર્ણ કરવા જતા સમયે સાંજે ખુબ જ ઠંડીના કારણે પત્‍નીએ ના કહેતા તેઓ એકલા જવા નીકળ્‍યા હતા. આ સમયે સાયલા હાઇવે પર સરકારી અનાજના ગોડાઉન પાસે એક ડમ્‍પરના ચાલકે આજુબાજુ જોયા વગર વાળવા સમયે અંકુશભાઇના બાઈકને અડફ્‌ટે લેતાં તેમને ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્‍માત બાદ ચાલક વાહન લઇ નાસી છૂટતા ઇજાગ્રસ્‍ત યુવાનને પોલીસ તેમજ

રાહદારીઓ દ્વારા તુરંત સાયલા સરકારી દવાખાને લઇ જવાયો હતો પરંતુ માથાના ભાગમાં ઇજાઓ થવા ને કારણે સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણપંખેરુ ઉડી જતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ બાબતે મળતક ના પત્‍ની તેજલબેને બેફીકરાઇથી વાહન ચલાવી અકસ્‍માત સર્જી નાસી છૂટેલ ડમ્‍પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા સાયલા પોલીસના એચ. બી. સોળમીયા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(3:08 pm IST)