Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

૫૬૦ બંદિવાન માછીમારો પૈકી મૃતક સુત્રાપાડાના જંયતિ સોલંકીનો મૃતદેહ હજુ પાકિસ્તાનથી ભારત આવ્યો નથીઃ ૧૫ દી'થી ફિશરીઝ વિભાગની ટીમ વાઘા સરહદે રાહ જોઇને બેઠી છે !!

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૨૮ : ભારતીય જળ સીમા પરથી છાસવારે  પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવામાં આવે છે.

અને સમયાંતરે માછીમારો ને મુકત કરાય છે.આવા જ ૨૦ જેટલા માછીમારોને મુકત કરવા માં આવતા વેરાવળ ફિશરીઝ વિભાગ ની ટિમ દ્વારા આ માછીમારોને વાઘા બોર્ડર ખાતે થી લાવી તેમના પરિવાર જનો ને સુપરત કર્યા હતા. જે ગઇકાલે વેરાવળ આવી પહોંચતા વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું સ્વજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

જેમાં ૨૦ પૈકી ૦૫ ઉત્ત્।રપ્રદેશના તેમજ ૧૫ ગીર સોમનાથ જિલ્લાના હતા. જેમાં ચીખલી ગામના ૦૪, બોડીદર ગામના ૦૩, કાજ ગામના ૦૨, ,ઘાટવડ ગામના - ૦૧, છારા ગામના - ૦૧, કડોદરા ગામના - ૦૧, દામલી ગામના - ૦૧, સંજવાપુર ગામના - ૦૧, વાવડી સુત્રાપાડા ગામના - ૦૧નો સમાવેશ થાય છે જ્યારે

હજુ પણ ૫૬૦ માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે સુત્રાપાડાના મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકીનો એક માસ વીતી જવા છતાં મૃતદેહ આવ્યો નથી.

પાકિસ્તાનની દાંડી જેલમાં યાતના વેઠી મુકત થયેલા માછીમારો એ આપવીતી વર્ણવતા જણાવેલ કે જેલ માં આરોગ્યની સુવિધા પૂરતી મળતી નથી અને કોઈપણ દર્દ હોય એક જ દવા આપી પીડા આપવા માં આવે છે.

મુકત થયેલા માછીમારો પૈકી ૫ માછીમારો ઉત્ત્।રપ્રદેશ ના પણ છે જે પૈકી ના સુનિલ પ્યારેલાલ એ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવેલ કે, અમે ચાર વર્ષથી જેલમાં હતા અને પરિવાર કફોડી સ્થિતિ માં મુકાયેલ છે જેમ ગુજરાત સરકાર માછીમારોના અપહરણ બાદ તેમના પરિવારને સહાય રૂપ બને છે તેમ ઉત્ત્।રપ્રદેશની યોગી સરકાર પણ અમારી વ્હારે આવે તેવી વિનતી કરી હતી સાથે સાથે વતન યુ.પી માં જ જો રોજગારી મળે તો માછીમારી મજૂરી માટે ગુજરાત આવવું ના પડે.

પાકિસ્તાન જેલમાં હજુ પણ ૫૬૦ જેટલા માછીમારો યાતના વેઠી રહ્યાં છે જે પૈકી અનેક સજા કાપતા મોતને પણ ભેટે છે. આવો જ એક હતભાગી માછીમાર સુત્રાપાડાના જેન્તી કરશન સોલંકી નું ગત ૧૪ ડિસેમ્બરના જેલમાં મૃત્યુ થયું છેઙ્ગ હાલ મુકત થયેલ માછીમારો ના જણાવ્યા મુજબ જેન્તીભાઈનું હૃદય રોગનો હૂમલો આવતા મૃત્યુ થયું છે. પરંતુ આજે એક માસ વીતી જવા છતાં આ હતભાગી માછીમારનો મૃતદેહ તેમના સ્વાજનને મળ્યો નથી.

છેલ્લા પંદર દિવસ થી ફિશરીઝ વિભગની ટિમ પણ વાઘા બોર્ડર પર માછીમારના મૃતદેહની રાહ જોઇ રહી છે બીજી તરફ પરિવાર જનો પણ કલ્પાંત કરી રહ્યા છે. ત્યારે મૃતક માછીમારનો મૃતદેહ વહેલી તકે મળે તે માટે માછીમાર સમુદાય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

(11:20 am IST)