Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભાવનગરના નેસવડ ગામે ૩ વર્ષના માસુમ સાળાની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપી બનેવીને આજીવન કેદની સજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૮: ભાવનગર ના વરતેજ તાબાના નેસવડ ગામે પતિ પત્ની વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં તેની દાઝ રાખી આરોપીએ પોતાના ૩ વર્ષના માસમ સગા સાળા નું કાંસળ કાઢી નાખતા આરોપી બનેવીને કોર્ટે આજીવન કેદ અને ૫૦ હજાર રૂપીયાનો દંડ ફટકાર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા .૮ / ૭ / ૨૦ ના રોજ ફરીયાદી શિવનાથરામ વુધનરામ ચામાર ઉ.વ .૪૫ રહે . નેસવડ , જી.આઈ.ડી.સી. વિસ્તાર , તા . દ્યોદ્યા મુળ ગામ મીઠેપુર , થાના , ગરખાસારણ જી.છપરા બિહારનાઓએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે તેઓ તથા તેની દિકરી પીન્કીદેવી તથા તેનો આરોપી પતિ રામપ્રસાદદાસ સાથે નેસવડ ગામે ભૈયાજીની ખોલીઓમાં ઉપર નીચે રહેતા હતા અને ફરીયાદીની દિકરી પીન્કીદેવી સાથે આરોપી રામપ્રસાદદાસ દ્યરકામ તથા રસોઈ બનાવવા બાબતે ખોટી રીતે અવારનવાર ઝગડા કરતો હોય તે બાબતે ફરીયાદી તથા ફરીયાદીના પત્ની આશાદેવી તેના જમાઈ આરોપી રામપ્રસાદદાસને ઠપકો આપતા હોય જેની દાઝ રાખી ફરીયાદીના દિકરા શિવમ ઉ.વ .૩ ને ફરીયાદીના જમાઈ રામપ્રસાદદાસ લલનદાસ ચમાર બનાવના દિવસે કલાક ૧૦:૪૦ આસપાસ નેસવડ – ઉખરલા ગામના રસ્તે રોડ નજીક આવેલ પાણીના નેરાના ભાગે પોતાની સાથે લઈ જઈ ગુસ્સો અને દાઝ રાખી શિવમને તેની પાસેની છરી થી પેટના ભાગે ૮ ઘા તથા ડાબા પડખાના ભાગે ૨ દ્યા મારી મોત નિપજાવી ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય ઉપરોકત બનાવ અંગે જે તે સમયે વરતેજ પોલીસ મથકમાં જે ફરીયાદી શિવનાથરામએ જે તે સમયે ઉકત આરોપી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈ.પી.કો.ક .૩૦૨ અને જી.પી.એકટની કલમ -૧૩૫ સહીતનો ગુન્હો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની ધારદાર અસરકારક દલીલો , ૩૬ જેટલા દસ્તાવેજી આધાર - પુરાવાઓ , ૮ જેટલા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી રામપ્રસાદદાસ લલનદાસ ચમાર રહે . નેસવડવાળાને ઈ.પી.કો. કલમ -૩૦૨ અને જી.પી.એકટની કલમ -૧૩૫ મુજબના ગુન્હા સબબ આરોપીને આજીવન કેદની સજા અને અને ૫૦ હજાર દંડ અદાલતે ફટકાર્યો હતો અને આ દંડની રકમમાંથી ૫૦ હજાર ગુજરનાર શિવમના પિતા ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે , હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને અનુલક્ષીને નામ . ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ કોવીડ –૧૯ ની એસ.ઓ.પી. મુજબ આરોપીને તેમજ બંને પક્ષના વકીલોને ઝુમ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન સાંભળી અને ઓનલાઈન જ ચુકાદો સંભળાવવામાં આવેલ.

(10:27 am IST)