Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

સોમવારે નરેન્‍દ્રભાઇ જામનગર-કચ્‍છ પાલીતાણામાં સભા ગજવશે

વડાપ્રધાન સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા ચાર જગ્‍યાએ સભા સંબોધશે :ત્રણ મત વિસ્તારોને આવરી લઈ અંજારમાં જંગી જાહેરસભાનું આયોજન

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી થઇ રહયો છે. અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા.૨૮ને સોમવારે જામનગર, કચ્‍છ, રાજકોટ અને પાલીતાણા ખાતે જાહેરસભા સંબોધશે. પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઇ મોદી સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ૪ જગ્‍યાઓ સભા સંબોધશે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્‍લાની કુલ સાતેય બેઠકોના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઇ મોદી આગામી તા.૨૮ને સોમવારે જામનગરની ભાગોળે આવેલા ગોરધનપર પાસેના ઇટ્રાના મેદાન ખાતે જાહેરસભા સંબોધશે. વડાપ્રધાનની સભા સંદર્ભે આજે જામનગરમાં એસપીજીનું આગમન થયુ હતું. જાહેરસભા માટે બન્ને જિલ્‍લામાંથી ૫૦ હજારથી વધુ જનમેદની એકઠી કરવાનો ભાજપને લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે. અગાઉ સવારે ૧૧.૩૦ કલાકે સભાનું આયોજન કરાયુ હતુ પરંતુ રાજકોટની સભાનો સમય ફરતા જામનગરમાં સાંજે ૪ વાગ્‍યે વડાપ્રધાનનું આગમન થશે અને ત્‍યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થશે

રાજયની વિધાનસભા ચૂંટણી દરમ્‍યાન પ્રથમ તબકકાનું મતદાન ૧લી ડિસેમ્‍બરના યોજાશે. હવે ચૂંટણી પ્રચાર અંતિમ તબકકામાં છે, ત્‍યારે કચ્‍છમાં ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાયા બાદ અંતિમ તબકકામાં નરેન્‍દ્રભાઇ ચૂંટણી પ્રચાર માટે આવી રહયા છે. તેમની જાહેરસભા વ્‍યૂહાત્‍મક રીતે ત્રણ વિધાનસભા બેઠકોને આવરી લઇને અંજાર મધ્‍યે થશે. અંજાર ઉપરાંત નજીકના ગાંધીધામ બેઠકના આદિપુર તેમજ માંડવી બેઠકના મુન્‍દ્રા મત વિસ્‍તારને આવરી લે એ રીતે સાંગ નદી નજીક વિશાળ મેદાનમાં યોજાશે. ચૂંટણી પૂર્વે અઢી મહિના અગાઉ જ નરેન્‍દ્રભાઇની ભુજમાં જંગી જાહેરસભા યોજાઇ હતી. કચ્‍છની ૬ બેઠકો છે અને ૬એ ૬ બેઠકો જીતવા માટે ભાજપ એ એડીચોટીનું જોર લગાવી આક્રમક પ્રચાર ઝુંબેશ ચલાવી છે. અત્‍યારે ૬માંથી ૫ બેઠકો અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ ભાજપ પાસે છે. જયારે રાપરની બેઠક કોંગ્રેસ પાસે છે.

(1:15 pm IST)