Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગોંડલના રાઘવ સ્પિનિંગ મિલમાં લૂંટ ચલાવનારી ગેંગનાં પાંચ આરોપીઓ ઝડપાયા : 1 .36 લાખનો મુદ્દામાલ કબજે

ગેંગનાં પાંચ શખ્સોની રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા; મિલમાં જ કામ કરી ચુકેલા પૂર્વ કર્મચારીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ

ગોંડલના રાઘવ સ્પિનિંગ મિલનાં એકાઉન્ટટને મારમારી લૂંટ ચલાવનારી ગેંગનાં પાંચ શખ્સોની રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. સ્પિનિંગ મિલમાં જ કામ કરી ચુકેલા પૂર્વ કર્મચારીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં રૂપીયાની ખેંચ આવતા લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ કબુલ્યું હતું. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી 1 લાખ 36 હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે. 

મેહુલ વાલજી બાવળીયા, અવિનાશ અમૃતલાલ કમાણી, નિલેષ ધનજી કોરાટ, અમનદીપ ઉર્ફે લક્કી તરસીમ સોહતા અને ભરત ખેંગાર દાફડા નામના આ શખ્સો પર આરોપ છે કે ગોંડલનાં નાગડકા રોડ પર આવેલ રાઘવ સ્પિનિંગ મિલનાં એકાઉન્ટટને મારમારી 3 લાખ 20 હજારની લૂંટને અંજામ આપવાનો છે. ગત તારીખ 17 નવેમ્બરનાં બપોરે રાઘવ સ્પિનિંગ મિલના એકાઉન્ટટ ભાવીન માયાણી બેંકમાંથી રૂપીયા ઉપાડીને પરત ફરી રહ્યો હતો. ત્યારે બે અજાણ્યા શખ્સોએ બાઇક રોકાવીને ધોકા અને પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો. હુમલાખોરો ભાવીન પાસે રહેલા રોકડ રકમની લૂંટ ચલાવી ફરીયાદીનું બાઇક લઇને ફરાર થઇ ગયા હતા. 

પોલીસને લૂંટની જાણ થતા જીલ્લાભરમાં નાકાબંધી કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે આરોપીઓનો કોઇ જ પતો લાગ્યો નહોતો. પોલીસે સ્પિનિંગ મિલનાં કર્મચારીઓની જીણવટભરી તપાસ કરી હતી. સીસીટીવી ફુટેજ તપાસતા આરોપી મેહુલ બાવળીયા શંકાનાં દાયરામાં આવ્યો હતો. જેથી પોલીસે અટકાયત કરી પુછપરછ કરતા તેને જ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે મેહુલને સાથે રાખીને દ્વારકા અને હૈદરાબાદ થી પાંચેય શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

પોલીસનાં કહેવા મુજબ, લૂંટનો માસ્ટર માઇન્ડ જૂનાગઢનો અવિનાશ અમૃત કમાણી છે. જે રાઘવ સ્પિનિંગ મિલનો ભૂતપૂર્વ કર્મચારી છે. આરોપી અવિનાશ કમાણીએ રાઘવ સ્પિનિંગ મિલમાં કાર કરતા મેહુલ બાવળીયા સાથે મળીને લૂંટનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. આરોપી મેહુલ બાવળીયા ફરીયાદી ભાવીન માયાણી સાથે કામ કરતો હોવાથી જાણતો હતો કે, કઇ બેંકમાં અને ક્યાં સમયે રૂપીયા ઉપાડે છે અને ક્યારે પરત આવે છે. જેથી આરોપી અવિનાશ કમાણીએ લૂંટનાં એક દિવસ પહેલા ભોગ બનનાર ભાવીનની રેકી કરી હતી. 

(10:34 pm IST)