Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ભાવનગર જીલ્લાના અવાણીયા ગામમાં આઝાદી પછી માત્ર એક વખત ગ્રામ પંચાયતની ચુંટણી થઇ છેઃ દર વખતે 'સમરસ' ને મહત્વ

ભાઇચારાની મિશાલ ગ્રામજનોએ ઉજાગર કરી

ભાવનગર : જિલ્લામાં જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 437 ગામોમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે આજે ઝી ૨૪ કલાક ની ટીમ પહોંચી હતી ઘોઘા તાલુકાના અવાણીયા ગામે, અવાણીયા ગામ કે જ્યાં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર જ ચૂંટણી થવા પામી છે. જ્યારે બાકીની ચૂંટણીઓ આપસી સંકલનના કારણે સમરસ થતા આ ગામનો ભરપૂર વિકાસ થયો છે. ત્યારે જાણીએ અવાણીયાના ગ્રામજનો પાસેથી કે કેવો થયો છે પાંચ વર્ષમાં વિકાસ અને નવા સરપંચ કેવા હશે.?

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા નું અવાણિયા ગામ, કે જ્યાં આઝાદી બાદ આજદિન સુધીમાં માત્ર એકવાર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાય છે. બાકીની તમામ ચૂંટણીઓમાં સમરસ જાહેર કરી ગામે પોતાની એકતા અને આપસી ભાઈચરાની ભવ્ય મિશાલ લોકો સમક્ષ ઉજાગર કરી છે. 3200 લોકોની વસ્તી ધરાવતું આ ગામ સમરસની ભાવના ને લઈ ભારે વિકસિત થયું છે. આ ગામમાં પાકી સડક,બ્લોક વાળા રોડ,લાઈટ અને ગટરની પૂરતી સુવિધા અને 90 % ગામમાં પીવાના પાણીની સવલત પુરી પાડી છે. 

1825 પુરુષો અને 1375 મહિલાઓના મતદાન ધરાવતું અવાણિયા કે જ્યાં પ્રાથમિક શાળાઓના સારા બિલ્ડીંગો, લાઈબ્રેરી, ગ્રામ પંચાયતનું પાક્કું બિલ્ડીંગ, આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે. ક્ષત્રિય સમાજની વસ્તી અહીં સૌથી વધારે છે, ત્યારબાદ કોળી સમાજ, દે.પૂ.સમાજ, જત પરિવાર ના લોકો અહીં વસવાટ કરે છે. અહીંના ગ્રામજનોની કુનેહ અને ભાઈચારાની ભાવનાથી અહીં દર પાંચ વર્ષે ગ્રામપંચાયતની ચૂંટણીઓ આવે છે પણ ગામનો એકરસ તેને સમરસ બનાવી દે છે. 

જેથી પ્રાથમિક સુવિધાનો અહીં સારો વિકાસ થયો છે. યુવાઓના દેશમાં હવે આ ગામના લોકોએ ગામનું સુકાન યુવાઓને અર્પણ કરવાનો નિર્ણય કરતા આ વખતે યુવાઓની ટીમ ચૂંટણીમાં ઝંપલાવી વિકાસને વધુ વેગ આપશે. આ ચૂંટણીમાં પણ ગામના વડીલો અને યુવાઓ એક થઇ ફરી સમરસ જાહેર થાય તે દિશામાં કાર્ય કરી રહયા છે.

(5:21 pm IST)