Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ગીર ગઢડા તાલુકાના સનવાવ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા-નાઘેર સમાજનો ૧૭મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

૩૩ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૨૭ : ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ (નાઘેર) દ્વારા ૧૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ૩૩ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરી હતી.

આ પ્રસંગે ભોજન સમારંભના દાતા શ્રી કુ. પ્રેક્ષા ઉર્વિબેન ભરતભાઈ ટાંકે નવદંપતિઓને આર્શીવાદ પાઠવતાં જણાવ્યું હતું કે, આજે પ્રભુતામાં પગલાં પાડનારા તમામ નવદંપતિઓ સુખ-સમૃધ્ધિ પામી એકબીજામાં ઓતપ્રોત થઇ જીવન વિતાવે તેવી શુભકામના પાઠવું છું. તેમણે કહ્યું કે, આપણો સમાજ ઉત્ત્।રોત્ત્।ર પ્રગતિના સોપાનો સર કરે તેવા કાર્ય કરીએ તથા સમાજની સાચી શકિત યુવાશકિત છે ત્યારે યુવાનોએ જાગૃત થઈ વ્યસનોને તિલાંજલી આપી સમાજને શિક્ષિત અને સંગઠીત બનાવવા આગળ આવવું પડશે. તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી પ્રકાશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, આપણે સામાજીક રીતે ખૂબ સંગઠીત બન્યા છીએ ત્યારે સમાજના દરેક નાના-મોટા કાર્ય માટે સમાજને વર્તમાન સમયની જરૂરીયાત મુજબ વધુમાં વધુ મદદરૂપ બનીએ.

ભરતભાઈ ટાંકે જણાવ્યું કે, આપણી ગુરૂ ગાદી સતાધારની કૃપા અને આર્શીવાદથી આપણો સમાજ એક તાંતણે બંધાઇ રહ્યો છે એ સંગઠીત સમાજની સાચી દિશા છે. તેમણે કહ્યું કે પૂજય ગુરૂજીના આશીર્વાદથી સમાજને આગળ વધારવામાં આપણે સૌ યોગદાન આપીએ.

આ પ્રસંગે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિના મંત્રી અને સમાજના યુવા કાર્યકર શ્રી ડો. જેસીંગભાઈ પોરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સતાધારના મહંતશ્રી પરમ પૂજયશ્રી વિજય બાપુ ગુરૂવર્યશ્રી જીવરાજબાપુએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓને સુખી લગ્ન જીવનના આશીર્વચન પાઠવ્યા હતાં.

આ સમૂહ લગ્નમાં સમિતિના પ્રમુખ તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયત સદસ્યશ્રી હિરજીભાઈ પરમાર દ્વારા મહેમાનો અને દાંતાશ્રીઓનું પુષ્પગુચ્છ, શાલથી સન્માન કરવામાં આવ્યુ હતું.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સમૂહ લગ્ન સમિતિ (નાઘેર)ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ કારાબારી સભ્યશ્રીઓએ વર-કન્યાઓને અશ્રુભીની આંખે વિદાય આપી સુખમય સંસારની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સમાજના અગ્રણી સર્વશ્રી નારણબાપા, વાલજીભાઇ પોરીયા, કરશનભાઈ ગેડીયા, લાલજીભાઈ મકવાણા-મહુવા, જીગ્નેશભાઈ-મહુવા, નાગજીભાઈ ગેડીયા, મનસુખભાઈ રાઠોડ તેમજ સમાજના દાતાઓ, અગ્રણીઓ અને જ્ઞાતિજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(12:52 pm IST)