Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વિશ્વના એક માત્ર આટકોટ ખાતે આવેલા

શ્રી વિરબાઇ માતાનાં મંદિરે ૧૪૩મી પુણ્યતીથી નિમિતે કાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજનઃ બપોરે મહાપ્રસાદ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૭ :.. વિશ્વ પ્રસિધ્ધ પુજય જલારામ બાપાના ધર્મપત્ની શ્રી વિરબાઇમાંની ૧૪૩ મી પુણ્યતીથી નિમિતે વિશ્વનાં એકમાત્ર રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલા શ્રી વિરબાઇમાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભદ્રાવતિ નદીના કિનારે આવેલા આટકોટ ગામનાં લોહાણા પ્રાગજીભાઇ સોમૈયાને ત્યાં શ્રી વિરબાઇમાંનો જન્મ થયો હતો. વિરબાઇમાં નાનપણથી જ ભકિતમય જીવન જીવતા હતાં.

વિરબાઇમાંના પિતા પ્રાગજીભાઇ ભગત પણ ભકિતના રંગે રંગાયેલા હતાં. તેમની શુશીલ, સંસ્કારી અને ભકિતનો રંગે રંગાયેલા પુત્રી વિરબાઇમા સાથે વિરપુરના જલારામબાપા સાથે થયા હતાં.

પૂ. જલારામાબાપા અને પુ. વિરબામાંનાં લગ્ન જે જગ્યાએ થયા હતાં ત્યાં જસદણનાં છોટે જલારામ ગણાતાં પુ. હરીરામબાપા દ્વારા ઘણા વર્ષો પહેલા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યુ હતું જે આજે પણ ચાલુ છે આ ઉપરાંત પૂ. શ્રી વિરબાઇમાતાનો જે ઘરમાં જન્મ થયો હતો ત્યાં પૂ. શ્રી હરીરામબાપા દ્વારા શ્રી વિરબાઇમાંના મંદિર બનાવવામાં આવ્યું છે.

આવતી કાલે સવારથી જ આટકોટ ખાતે શ્રી વિરબાઇમાતાનાં મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શ્રી વિરબાઇમાં અન્નક્ષેત્ર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ યાદીમાં જણાવ્યું છે.

પૂ.વીરબાઇમાંના લગ્ન થયા તે જગ્યા ઉપર મંદિરનું નિર્માણ કરાયુ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૬: વિશ્વ પ્રસિદ્ઘ વિરપુરના જલારામબાપા સાથે આટકોટના રઘુવંશી પરિવારના દીકરી વીરબાઈમાંના લગ્ન થયા હતા. પારકાને પોતાના ગણીને પેટ ભરીને જમાડ્યા બાદ જ પોતે ભોજન ગ્રહણ કરતા આ દંપતીની ગાથા સાવ અલગ જ છે. આજે પણ વિશ્વમાં એકમાત્ર આટકોટમાં વીરબાઈમાંનું મંદિર આવેલું છે. જયાં વિરપુરની માફક ૨૪ કલાક અન્નક્ષેત્ર આજે પણ ધમધમે છે. ત્યારે આગામી રવિવારે વીરબાઈમાંની પુણ્યતિથી નિમિત્ત્।ે આટકોટ સહિત અનેક શહેરોમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

૧૮૭૮-કારતક વદ ૯ના દિવસે વીરબાઈમાંએ પોતાની જીવનલીલા સંકેલી સ્વર્ગ સિધાવ્યા હતા. આજે પણ તેની પુણ્યતિથી આટકોટ સહિત અનેક શહેરોમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. રાજકોટ-ભાવનગર હાઈ-વે રોડ પર જે આટકોટ ગામ આવેલું છે. ત્યાં વિશ્વમાં એકમાત્ર વીરબાઈમાંનું મંદિર આવેલું છે. ત્યાં વર્ષોથી સવાર-સાંજ અન્નક્ષેત્ર ચાલે છે અને તે જગ્યા પર ચાલીને આવતા દરેક યાત્રિકોને રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જે જગ્યા ઉપર વીરબાઈમાંના લગ્ન થયા હતા એજ જગ્યા ઉપર હાલ મંદિર ઉભું છે.

(11:01 am IST)