Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

પાટડીમાં ૧૬ ઘેટા બકરા અને છરી સાથે પોલીસે ત્રણ શખ્શોને ઝડપી લીધા

વઢવાણ,તા.૨૭ : ઝીંઝુવાડા પોલિસે બાતમીના આધારે પાટડી તાલુકાના રોઝવા ગામની રૂપેણ નદી પાસેથી ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે લઇ જવાતા ૧૬ ઘેટાં-બકરા સાથે દસાડાના ૩ શખ્સોને ઝબ્બે કર્યા હતા. પોલિસે ગાડી, છરી અને ૧૬ અબોલ જીવો સાથે ત્રણેય શખ્સોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના રોઝવા ગામના પાદરમાંથી નીકળતી રૂપેણ નદી પાસેથી અબોલ જીવોને ઇકો ગાડીમાં ક્રૂર રીતે લઇ જવાતી હોવાની બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઇ પી.વી.ધનેશા, માનસંગભાઇ ગઢવી અને આર.ડી.ભરવાડ સહિતની પોલિસ ટીમેં રાત્રીના અંધારામાં છટકું ગોઠવી રૂપેણ નદી પાસે અચાનક દરોડો પાડ્યો હતો.

ઝીંઝુવાડા પોલિસે આ દરોડામાં મેહુલ રામજીભાઇ મકવાણા ( ૩૦ વર્ષ, રહે- દસાડા ), ઉંમર પોપટભાઇ મીર ( ૨૫ વર્ષ, રહે-દસાડા ) અને મશરૂ કરશનભાઇ મીર ( ૨૪ વર્ષ, રહે-દસાડા )ને ઇકો ગાડીમાં ક્રૂર રીતે લઇ જવાતા ૧૬ અબોલ જીવ દ્યેટાં-બકરા કિંમત રૂ. ૪૩૦૦૦, ઇકો ગાડી કિંમત રૂ. ૨ લાખ અને એક ધારદાર છરી કિંમત રૂ. ૫૦ મળી કુલ રૂ.૨૪૩૦૫૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી આરોપીઓને હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ કોરોન્ટાઇન કરી અબોલ જીવોને છોડાવી માંડલ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલિસ મથકના મહાદેવભાઇ વણોલ ચલાવી રહ્યાં છે.

(11:52 am IST)