Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચાવો જોઈએ : શંકરસિંહ

હું દારૂ પીતો નથી પરંતુ ગુજરાત મારો પરિવાર છે. મારો પરિવાર દારૂ પીવે એ મને પસંદ નથી પણ યોગ્ય નીતિ સાથે દારૂ વેચાવો જોઈએ

 ભુજ,તા. ૨૭: હાલ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વખતે ચૂંટણી પ્રચારમાં દારૂનો મુદ્દો ઉઠી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં અબડાસા બેઠક માટે ચૂંટણી પ્રચાર દરમિયાન દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું. જે બાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કચ્છની મુલાકાત દરમિયાન ફરી એકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવા અંગે નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે રાજય સરકારની સીધી દેખરેખ હેઠળ રાજયમાં સારી બ્રાન્ડનો દારૂ વેચવાની છૂટ આપવી જોઈએ.

અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પઢીયાર પણ લોકપ્રિય નેતા છે. રાજકીય બેડામાં જેમની પીઢ નેતા તરીકે ગણના થાય છે એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાદ્યેલા પણ સોમવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ બાવા પઢીયારને સમર્થન આપી તેમના પ્રચાર માટે બાપુ કચ્છ આવ્યા હતા. આ દરમિયાન ભુજ ખાતે તેઓનું સન્માન કરાયા બાદ તેઓએ અપક્ષ ઉમેદવાર હનીફભાઈને બેટના નિશાન પર જીતાડી ગાંધીનગર મોકલવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે બાપુએ રાજયમાં દારૂબંધી અંગે જણાવ્યું હતું કે, 'ગાંધીના ગુજરાતમાં ગેરકાયદે રીતે વેચાતા દારૂથી પરિવારો બરબાદ થઈ રહ્યા છે.

કચ્છની બોર્ડર ખુલ્લી છે, જેથી યુવાધન નશાના રવાડે ચડ્યું છે. સરકારે દારૂબંધી મુદ્દે પગલાં લેવા જોઈએ અથવા તો રાજયમાં સરકારના સીધી દેખરેખ હેઠળ ખાસ નીતિ બનાવીને સારી બ્રાન્ડનો દારૂ વેચવો જોઈએ. હું દારૂ પીતો નથી પરંતુ ગુજરાત મારો પરિવાર છે. મારો પરિવાર દારૂ પીવે એ મને પસંદ નથી પણ યોગ્ય નીતિ સાથે દારૂ વેચાવો જોઈએ.' આ સાથે જ શંકરસિંહે ૨૦૨૨માં પ્રજા જનશકિત પાર્ટીની સરકાર હશે તેવો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા અવારનવાર એવું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ. આ માટે તેઓએ ખાસ ઝૂંબેશ પણ શરૂ કરી છે. આ મામલે તેઓ નિવેદન આપતા રહે છે તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની વાત મૂકી રહ્યા છે.

(12:04 pm IST)