Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીમાં 85 વર્ષના પ્રભાબા તબલા-પેટીના સુરે ગવડાવે છે ગરબા.

75 વર્ષથી ચાલી આવતી ગ્રીન ચોક દફતરી શેરીની ગરબીમાં મ્યુઝિક સિસ્ટમ વગર થાય છે માં શક્તિની આરાધના

મોરબી : આજના ડીઝીટલ યુગમાં ખાસ કરીને નવરાત્રી મહોત્સવમાં શહેર તો ઠીક ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન ગરબીમાં પણ આધુનિક મ્યુઝિક સિસ્ટમ પહોંચી ગઈ છે. દરેક ગરબીમાં આધુનિક મ્યુઝિક સિસ્ટમ વગર રાસ ગરબા રમવા શક્ય જ ન હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. ત્યારે ગામડાની નહિ પણ મોરબી જેવા સતત વિકસતા શહેરમાં એક એવી પ્રાચીન ગરબી છે. જેમાં આધુનિક મ્યુઝિક સિસ્ટમ જ નથી. ટેપ વગર 85 વર્ષના પ્રભાબા એકધારા 75 વર્ષથી જાતે જ ગાયને બાળાઓને રાસ ગરબે રમાડી ગરબીમાં માતાજીની ભક્તિનું મહાત્મ્ય જાળવી રહ્યા છે.


મોરબીના ગ્રીનચોક વિસ્તાર આમ તો શહેરનો ગીચ અને હદય સમાન મુખ્ય શહેરી વિસ્તાર છે. આ વિસ્તારમાં આવેલી નાની મોટી અનેક શેરીઓમાં ખાસ કરીને દફ્તરી શેરીમાં હાલ નવરાત્રી મહોત્સવમાં યોજયેલી પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે જય અંબે ગરબીમાં હજુ સુધી આધુનિકતા કે ભપકાદાર આયોજનનો રંગ સ્પર્શયો જ નથી. આથી ડીજે જેવા આધુનિક મ્યુઝિક સિસ્ટમ જ નથી. માત્ર તબલા, હાર્મોનિયમ અને મંજીરાના તાલે અહીં ગરબા રમાય છે અને ગવાય છે.એવું નથી કે આ વિસ્તારના લોકોએ પૈસેટકે સુખી નથી. આ વિસ્તારના લોકો શિક્ષિત, સમજુ અને સુખી સંપન્ન છે. પણ માતાજીની ભક્તિ કરવાની પરંપરામાં દંભ કે દેખાડો ન હોવો જોઈએ તેવું આ વિસ્તારના લોકો માને છે.
માતાજીની ભક્તિ માત્ર દિલથી જ થવી જોઈએ એટલે જ જય અંબે ગરબીમાં આ વિસ્તારના 85 વર્ષના પ્રભાબા છેલ્લા 70 વર્ષથી ડીજે તો ઠીક ઓન ટેપ વગર માત્ર જાતે ગાયને જ રાસ ગરબે રમાડે છે. તેમનો સ્વર એટલો કર્ણપ્રિય છે કે દૂર દૂરથી લોકો તેમના સુરીલા અવાજથી માતાજીના રાસ ગરબા જોવા આવે છે.આ પ્રભાબાની સમજણ અને કુનેહથી છેલ્લા 75 વર્ષથી કોઈપણ જાતના મતભેદ વગર સ્થાનિમ લોકો એકસાથે સંપીને પ્રાચીન ઢબે ગરબીનું આયોજન કરીને ગરબીમાં માતાજીની ભક્તિ માટે દેખાડો જરૂર ન હોવાની પ્રેરણા પુરી પાડે છે. પ્રભાબાને માતાજી પર અખૂટ શ્રદ્ધા છે. એટલે આટલી જૈફ વૈયે પણ કડેઘડે અને કોઇ સારા ગાયકની એકદમ સુરીલા કાંઠે ગરબા ગાય છે. સૌથી મહત્વની બાબત એ છે જે આ ગરબીમાં કોઈ પ્રમુખ કે અન્ય હોદેદારો પણ નથી. માત્ર સમજણ અને ભક્તિના સહારે વર્ષોથી આ ગરબી ટકી રહી છે.

 

(11:36 pm IST)