Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કેશોદમાં વિશ્વ ફાર્માસિસ્‍ટ દિવસ નિમીતે કેક કાપી ઉજવણી કરતો સરકારી હોસ્‍પિટલનો સ્‍ટાફ

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદઃ કેશોદમાં  વિશ્વ ફાર્માસિસ્‍ટ દિવસ નિમિતે  કેશોદ સરકારી હોસ્‍પિટલના ડૉકટર્સ, નર્સ અને વહિવટી સ્‍ટાફે કેક કાપી ફાર્માસિસ્‍ટ અને તેમની ટીમને શુભેચ્‍છાઓ પાઠવી ફાર્માસિસ્‍ટ  દિવસની આનંદવિભોર સાથે ઉજવણી કરવામાં આવી હતી.  ૧૯૧૨ માં ઇન્‍ટરનેશનલ ફાર્માસ્‍યુટિકલ ફેડરેશનની સ્‍થાપના ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ કરવામાં આવેલી. જે અનુસંધાને દર વર્ષે ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વ ફાર્માસિસ્‍ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફાર્મસી એક્‍ટ પ્રમાણે ફાર્માસિસ્‍ટની મુખ્‍ય કામગીરી દર્દીઓને દવા યોગ્‍ય સમયે, યોગ્‍ય માત્રામાં અને યોગ્‍ય રીતે લેવા માટે સમજાવવાની છે. સાથે સાથે દવાઓની ખરીદી, વિતરણ અને પૂરતા પ્રમાણમાં હોસ્‍પિટલમાં દવાઓનો પૂરતો જથ્‍થો જાળવવાની જવાબદારી મુખ્‍યત્‍વે ફાર્માસિસ્‍ટના શિરે હોય છે. ફાર્માસિસ્‍ટને હોસ્‍પિટલનું હૃદય કહેવામાં આવે છે. કેમકે, હોસ્‍પિટલના તમામ વિભાગના જરૂરિયાત મુજબના સાધનો અને દવાનો જથ્‍થો પૂરો પાડવાની જવાબદારી ફાર્માસિસ્‍ટની હોય છે. ફાર્માસિસ્‍ટ દવા બનાવવામાં મહત્‍વનો ભાગ ભજવે છે અને દવામાં જીવ પુરે છે ત્‍યારે ડોક્‍ટર તે દવાના ઉપયોગથી દર્દીઓનો જીવ બચાવે છે. જેથી ફાર્માસિસ્‍ટ-  ડોક્‍ટર અને દર્દીને યોગ્‍ય સારવાર મળે તેની એક મહત્‍વની જોડતી કડી છે. આજરોજ તા.૨૫ના સરકારી હોસ્‍પિટલ, કેશોદ ખાતે વિશ્વ ફાર્માસિસ્‍ટ દિવસની હોસ્‍પિટલના તમામ સ્‍ટાફે સાથે મળી  કેક કાપી ઉજવણી કરી અને તમામ કર્મચારીઓએ સરકારી હોસ્‍પિટલ, કેશોદના ફાર્માસિસ્‍ટ દિપેનભાઈ અટારા તથા ટીમને શુભેચ્‍છા પાઠવી હતી.

(1:53 pm IST)