Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છ સરહદ પર સીમા સુરક્ષાદળને ખાસ ઇનપુટ મળતા સઘન પેટ્રોલિંગ : PMC રેન્જર્સની જગ્યા પાક. નેવીના કમાન્ડોએ લીધી

જો કે દર વર્ષે ૧૫ ઓગસ્ટ પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય જ છે

ભુજ તા. ૨૭ : કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. કચ્છની સરહદે સામે પાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવીના કમાન્ડો લઇ રહ્યા છે એ વચ્ચે બીએસએફને ખાસ ઇનપુટ મળતાં કચ્છ સરહદે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આમ તો ૧૫મી ઓગસ્ટ અને પેટ્રોલિંગને રૂટિન બતાવાઇ રહ્યું છે, પણ ઇનપુટ મળતાં અચાનક મૂવમેન્ટ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇ અલર્ટ પર આવતાં સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. ઉપરાંત તમામ ક્રિક વિસ્તારોમાં બોટ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. કચ્છ સરહદે બીએસએફ એ સમયે પોતાની પેટ્રોલિંગ વધારી છે, પાકિસ્તાનની સામે પારની પીએમસીના રેન્જર્સની જગ્યા પાક નેવીના કમાન્ડો લઇ રહ્યા છે.કચ્છ સરહદે અલર્ટ જાહેર કરાયું. કચ્છની સરહદની સામે પાર પાકિસ્તાન નેવીના કમાન્ડો તૈનાત કરી રહ્યું હોવાના અહેવાલ બાદ બીએસએફ તરફથી કચ્છની સરહદે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. આ અંગે બીએસએસફને ઇનપુટ મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, દર વર્ષે ૧૫મી ઓગસ્ટ નજીક આવે ત્યારે આમ પણ પેટ્રોલિંગ વધારવામાં આવે છે.

પાકિસ્તાન પીએમસીના રેન્જર્સ જાય છે અને નેવી કમાન્ડો આવે છે એ પાકિસ્તાન સરહદની મોટી મૂવમેન્ટ માનવામાં આવી રહી છે. હાલની મૂવમેન્ટ અને બીએસએફનું પેટ્રોલિંગ વધારવા પાછળ અધિકારીઓ ભલે ૧૫ ઓગસ્ટ અને રૂટિન બતાવી રહ્યા છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ ૧૫ ઓગસ્ટને હજુ વાર છે એ પહેલાં મૂવમેન્ટ હોય છે, પણ આ વહેલી મૂવમેન્ટ હોવાથી કોઇ ખાસ ઇનપુટ બીએસએફ પાસે હશે, જેને લીધે આટલી મૂવમેન્ટ જોવા મળી રહી છે.

કચ્છ સરહદે મોટા ભાગનો હિસ્સો બીએસએફ પાસે છે, જેમાં રણ, દરિયા અને અટપટી ક્રિકોનો સમાવેશ થાય છે. તમામ જગ્યાએ બીએસએફની મજબૂત પકડ છે અને હવે એમાં વધારો અચાનક થતાં ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનની એજન્સીઓ આપણી એજન્સીઓની બરાબરી કરી શકે એમ નથી, તેમ છતાંય કાંઇ કાકરીચારો થાય તો એ જ સમયે જવાબ દેવાની તૈયારી રૂપે પણ જોવા મળી રહ્યો છે. આપણી એજન્સીઓને લીધે આપણે સુરક્ષિત છીએ, પણ અચાનક મૂવમેન્ટ વધતાં સરહદે તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ જમ્મુથી માંડીને ગુજરાત સરહદ સુધી ભારતની એજન્સીઓની મૂવમેન્ટ જાણવા અને નુકસાન કરવા હંમેશાં તત્પર જ હોય છે. તાજેતરમાં જ જમ્મુના એરફોર્સ સ્ટેશન પર રવિવારના ડ્રોન દ્વારા બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ડ્રોન દ્વારા આતંકી હુમલાની પ્રથમ ઘટના છે પણ સરહદે પાકિસ્તાનની એજન્સીઓ ડ્રોનનો ઉપયોગ લાંબા સમયથી કરી રહી છે. નલિયા એરફોર્સ સુધી પાકિસ્તાનની ડ્રોન પહોંચી આવ્યું હતું, જેને એજન્સીઓ કચ્છની ક્રિક અને અરબ સાગરમાં પોતાની સરહદમાં જ બોટ દ્વારા એને ઊંચે લઈ જાય છે અને પોતાની જમીનથી જ ભારતની સરહદની મૂવમેન્ટ જોવાની કોશિશ કરે છે એનો ખુલાસો પણ અહેવાલ પ્રકાશિત કરી કરવામાં આવ્યો હતો.(૨૧.૨૬)

(3:39 pm IST)