Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બની ગયું છે : ગોપાલ ઇટાલિયા

અમરેલી તા. ૨૭ : આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ ફ્રી વીજળી આંદોલન આજે જન આંદોલન બની ગયું છે અને તેની પાછળ સૌથી મોટો હાથ ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો છે. ફ્રી વીજળી આંદોલનનો મુખ્‍ય ઉદ્દેશ લોકોને ફ્રી વીજળી પૂરી પાડવાનો છે. કારણ કે ફ્રી વીજળી એ લોકોનો અધિકાર છે.

આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, ભાવનગરના જલાલપુર તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્‍ય શહેરોમાં પદયાત્રા, મશાલયાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ ખુબ જ મોટી સંખ્‍યામાં લોકો ના ઘરે ઘરે જઈને તેમનો સંપર્ક કર્યો, વીજળી પાછળ થઇ રહેલી કાળાબજારી વિશે તેમને જાણકારી આપી અને જાગૃકતા ફેલાવવાનું કાર્ય કર્યું.

જે રીતે દિલ્‍હીની જનતાને દર મહિને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે અને ૧ જુલાઈથી પંજાબની જનતાને દર મહિને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ વીજળી ફ્રી મળવી જોઈએ. આમ આદમી પાર્ટી આ ઉદ્દેશ્‍ય ને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને સૌથી સકારાત્‍મક બાબત એ છે કે આમ આદમી પાર્ટીના આ ફ્રી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતની જનતાનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે.

આજ સુધી ગુજરાતમાં કોઈ પક્ષે પ્રજાના પ્રશ્નો પર ધ્‍યાન આપ્‍યું નથી. ભાજપ અને કોંગ્રેસે મળીને માત્ર પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે. હવે જયારે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે અને લોકોને તેમના હક્ક અપાવવા માટે રસ્‍તા પર ઉતરી રહી છે ત્‍યારે ભાજપ અને કોંગ્રેસ આનાથી સંપૂર્ણપણે ચોંકી ગયા છે. આજે ગુજરાતમાં એવી સ્‍થિતિ છે કે આમ આદમી પાર્ટી સિવાય અન્‍ય કોઈ પાર્ટીના નેતા અને કાર્યકર જનતા સાથે સંવાદ કરવા પણ જઈ શકતા નથી કારણ કે તેમની પાસે લોકોના પ્રશ્નોના જવાબ નથી. જનસંવાદ, પરિવર્તન યાત્રા, ગામડુ બેઠક અને હવે ગુજરાતના ગામડે ગામડે ફ્રી વિજળી આંદોલનને કારણે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત મજબૂત બની રહી છે અને સાથે જ અરવિંદ કેજરીવાલ જી ની એક પછી એક મુલાકાતને કારણે, કાર્યકર્તાઓમાં એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતોને કારણે ગુજરાતના રાજકારણમાં નવો બદલાવ આવ્‍યો છે અને ગુજરાતને આ પરિવર્તનની જરૂર હતી.

(1:17 pm IST)