Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સાયલા દુષ્‍કર્મ કેસમાં યુવતીનો ગર્ભપાત કરનાર સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલના તબીબને પોલીસનું તેડુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૭ : સાયલા ગ્રામ્‍ય પંથકમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી એકાદ વર્ષ પહેલા વાડીએ માલ ઢોરને નીણ નાખવા જતી હતી. ત્‍યારે ગામના મુનાભાઇ ભુદરભાઇ સાપરાએ યુવતીને વાડીએ ચાલ તારૂં કામ છે. તેમ કહ્યુ હતુ. જેમાં યુવતીએ ના પાડતા મુનાભાઇએ યુવતીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતી મુનાભાઇ સાથે તેની વાડીએ ગઇ હતી. જેમાં કપાસના વાવેતરમાં યુવતી સાથે દુષ્‍કર્મ આચર્યું હતુ. ત્‍યારબાદ ગાળો આપી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુનાભાઇ આટલેથી ન અટકતા અવાર-નવાર યુવતી સાથે દુષ્‍કર્મ કરતો હતો. જેમાં યુવતીને ૬ માસનો ગર્ભ રહી જતા યુવતી તેના ફુવા ભુપતભાઇ લક્ષ્મણભાઇ કમેઝળીયાના ઘરે વઢવાણ તાલુકાના રાજપર ગામે રહેવા ગઇ હતી. જેમાં ભુપતભાઇ અને મુળી તાલુકાના દિગસર ગામે રહેતા યુવતીનો બીજા ફુવા ચમનભાઇ રામજીભાઇ નાકીયા દ્વારા યુવતીનું સુરેન્‍દ્રનગરની એક ખાનગી ગાયનેક હોસ્‍પિટલમાં ગર્ભપાત કરાવાયો હતો. બનાવની તા. ૨૪ મે ના રોજ સાયલા પોલીસ મથકે આરોપી મુનાભાઇ ભુદરભાઇ સાપરા સામે દુષ્‍કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે મુનાભાઇને ઝડપી અને જેલહવાલે કર્યો હતો. જયારે કેસની વધુ તપાસમાં યુવતીનો ગર્ભપાત કરાવનાર બંન્ને ફુવા ભુપતભાઇ લક્ષ્મણભાઇ કમેઝળીયા અને ચમનભાઇ રામજીભાઇ નાકીયાની પોલીસે ધરપકડ કરી હતી. બંન્નેની પુછપરછમાં સુરેન્‍દ્રનગરની ખાનગી હોસ્‍પિટલના ગાયનેક ડોકટરનું નામ ખુલતા પોલીસે ગાયનેક ડોકટરની પુછપરછ કરી હતી. હાલ પોલીસ ડોકટર સામે ગુનો દાખલ થઇ શકે કે કેમ તે અંગે નિષ્‍ણાંતોનો અભિપ્રાય લઇ રહી છે. પરંતુ આ બાબત શહેરના મેડીકલ ક્ષેત્રમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. બનાવની જાણ થતા ડોકટર સાથે શહેરના અન્‍ય નામાંકિત ડોકટરો પણ પોલીસ મથકે દોડી ગયા હતા.

 સિવિલ સર્જનનો અભિપ્રાય માંગી આગળ કાર્યવાહી કરીશું

આ અંગે કેસના તપાસ અધિકારી પી.આઇ આર.જી.ચૌધરીએ જણાવ્‍યુ કે હાલ યુવતીને ગર્ભપાત કરાવનાર ડોકટરની પ્રાથમિક પુછપરછ કરાઇ છે. મેડીકલના નિયમો મુજબ ડોકટર સામે કાર્યવાહી થાય છે કે કેમ તે અંગે જાણવા સિવિલ સર્જનનો અભિપ્રાય માંગવામાં આવ્‍યો છે. સિવિલ સર્જનનો અભિપ્રાય મળ્‍યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરીશું.

પોલીસ કેસમાં મંજુરી વગર ગર્ભપાત કે પ્રિમેચ્‍યોર ડિલિવરી ન કરી શકાય

આ અંગે સુરેન્‍દ્રનગર સિવિલ સર્જન ડો. હરેશ વસેટીયને જણાવ્‍યુ કે પોલીસ કેસમાં માતા-પિતાની મંજુરી, અન્‍ય ૨ ડોકટરોને સાથે રાખવા તથા કોર્ટની મંજુરી વગર ગર્ભપાત શક્‍ય નથી. જો માતા-પિતાની મંજુરી વગર ગર્ભપાત કે પ્રિમેચ્‍યોર ડીલીવરી થઇ હોય તો હક્કીત છુપાવનાર અને ગર્ભપાત કે પ્રિમેચ્‍યોર ડીલીવરી કરનાર ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

સાયલા ગ્રામ્‍યની યુવતીને ગર્ભ રહી જતા તેના ફુવાના ઘરે એકાદ મહિનો મોકલી દેવાઇ હતી. જેમાં ફુવાના ઘરે રહેતી યુવતીનો ગર્ભપાત કરાવાયો હતો. બાદમાં ફુવાના પરિવારમાં કેન્‍સરની બિમારી આવતા ફુવાએ યુવતીના પિતા પાસે પૈસાની માંગણી કરી હતી. જેમાં તેમના દિકરીના ગર્ભપાત કરાવવાના પૈસા આપો તેમ કહેલ હતું.

(11:27 am IST)