Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભુજ પંથકમાં ૧ કરોડની વીજ ચોરી ઝડપાઈ : ૩૧ ટીમો દ્વારા ચેકીંગ

રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ખેતીવાડીનું જોડાણ : જય ગોગા મિનરલ્સમાં ડાયરેકટ લંગર નાખી ચોરી

(વિનોદ ગાલા દ્વારા)ઙ્ગભુજ તા. ૨૭ : ભુજ તાલુકામાં મોટાપાયે થઈ રહેલી વીજ ચોરી સંદર્ભે આજે PGVCL વિજિલન્સ દ્વારા કુકમા અને ખાવડા સબ ડિવિઝન અંતર્ગત આવતાં વિસ્તારોમાં મોટાપાયે વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. ઝુંબેશ દરમિયાન એક જ દિવસમાં ૧ કરોડ ૭ લાખ ૩૬ હજાર રૂપિયાની જંગી વીજ ચોરીનો પર્દાફાશ થયો છે. ગઇકાલે સવારથી જ PGVCLની કુલ ૩૧ ટૂકડીઓએ ભુજથી અંજારના પટ્ટા અને ખાવડા પંથકમાં આવેલાં ઈન્ડસ્ટ્રીયલ, કોમર્સિયલ અને એગ્રીકલ્ચરલ વીજ જોડાણોમાં તપાસ હાથ ધરી હતી. ઝુંબેશ અંતર્ગત ૨૮૬ વીજ કનેકશન ચેક કરાયાં હતા જેમાંથી ૨૩ કનેકશનમાંથી ગેરરીતિ પકડાઈ હતી.
કુકમા સબ ડિવિઝન હેઠળ ડગાળા, મોખાણા, મોડસર વગેરે વિવિધ ગામોના વીજ જોડાણ ચેક કરાયાં હતા. મોડસર નજીક આવેલી જય ગોગા મિનરલ્સ નામની ચાયના કલે ફેકટરીમાં તો ડાયરેકટ લંગર નાખીને હેવી મશીનરી ચલાવાતી હોવાનો પર્દાફાશ થયો હતો.
ફેકટરી સંચાલક રણછોડ ભીખાભાઈ વરચંદ દ્વારા ૬૪ લાખની વીજ ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તો, નજીકમાં આવેલા રાજકોટ ઈન્ડસ્ટ્રી નામના એકમમાં ખેતીવાડીના નામે લેવાયેલાં જોડાણમાંથી વીજ પુરવઠો મેળવી ચોરી કરાતી હતી. અહીંથી અઢી લાખની વીજચોરી પકડાઈ છે. ખાવડા સબ ડિવિઝનના ૧૬ કનેકશનમાંથી ૬ લાખ ૬ હજારની વીજ ચોરી ઝડપાઈ છે.

 

(10:57 am IST)