Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ગીરગઢડાના થોરડી ગામની સાંગાવાડી નદીમાં મહાકાય મગરે પશુ ચરાવતા વૃધ્ધને ઊંડા પાણીમાં ખેચી જતા મોત

બે કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો : મૃતદેહને પી એમ માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો

ઊનાનાં ગીરગઢડા તાલુકાના ગીર જંગલ બોર્ડને અડી આવેલ થોરડી ગામના માલધારી પશુ ચરાવતા હતા. એ વખતે નદીમાંથી મગર આવી ચડતા માલધારી વૃધ્ધનો પગ ચેખી પાણીમાં ખેચી લઇ જતાં મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

થોરડી ગામે રહેતા માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલ ઉ.વ.65 ગામ પાસે આવેલ સ્મશાન વિસ્તાર નજીક સાંગાવાડી નદી આસપાસ પોતાના માલઢોર ચરાવતા હતા. એ વખતે ભેંસ નદીમાં પાણી પીવા ગયેલ ત્યારે અચાનક મહાકાય મગર નદીમાં આવી ચડતા પ્રથમ ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા ગોબરભાઇ જતાં તેના પર મહાકાય મગરે હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં મોત નિપજ્યુ હતું. આ મહાકાય મગરે તેના જડબામાં ગોબરભાઇનો પગ પકડી લીધેલ ત્યારે રાડારાડ કરતા આસપાસના લોકો બચાવવા દોડી ગયેલ પરંતુ મગરે ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં વૃધ્ધનું નદીના ઉંડા પાણીમાં મોત નિપજ્યુ હતું.

ઘટનાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી ગયા હતા. અને આ બનાવની જાણ વનવિભાગને કરતા બાબરીયા રેન્જના વનવિભાગની ટીમ તાત્કાલીક દોડી ગયેલ હતી. અને નદીના પાણીમાંથી વૃધ્ધની શોધખોળ શરૂ કરતા બે કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. અને મૃતદેહને પી એમ માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

ગીર બોર્ડર પાસે આવેલ થોરડી ગામમાં રહેતા અને માલઢોર પશુઓને ચરાવી ધરનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગોબરભાઇને સંતાન ન હોય અને પરીવારમાં માત્ર પતિ-પત્નિ બન્ને રહેતા હોય અને બપોરના સાડા બાર વાગ્યે સાંગાવાડી નદીમાં મગરે ભેંસ પર હુમલો કરતા ગોબરભાઇ દોટ મુકી બચાવવા જતાં ગોબરભાઇના પગને જડબામાં દબોચી ઉંડા પાણીમાં ખેચી લઇ જઇ મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

(12:57 am IST)