Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સુરેન્દ્રનગરમાં ‘માતાજીના માંડવા’માં પ્રાણીઓની ગેરકાયદે કતલ કરીને બલી ચઢતી અટકાવવા માંગ

એનિમલ વેફ્લેર ફાઉન્ડેશન દ્વારા રાજ્યના DGP, ગૃહ સચિવને લીગલ નોટિસ મોકલી યોગ્ય પગલાં લેવાની રજુઆત

સુરેન્દ્રનગરના રાનાગઢમાં આવેલા મંદિરમાં ‘માતાજીના માંડવા’ દરમિયાન પ્રાણીઓને ગેરકાયદેસર રીતે કતલ કરી તેમની બલી ચઢાવવામાં ન આવે તે માટે એનિમલ વેફ્લેર ફાઉન્ડેશન દ્વારા આ મુદ્દે રાજ્યના DGP, ગૃહ સચિવને લીગલ નોટિસ મોકલી યોગ્ય પગલાં લેવાની રજુઆત કરી છે

પ્રાણીઓના રક્ષણ માટે કામ કરતી સંસ્થા એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તેમના એડવોકેટ નિસર્ગ શાહ વતી મોકલવામાં આવેલી લીગલ નોટિસમાં રજુઆત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગરના રાનાગઢમાં 28મી જાન્યુઆરી થી 30મી જાન્યુઆરી વચ્ચે માતાજીના માંડવા દરમિયાન મંદિરમાં બકરીઓની બલી ચઢાવવામાં ન આવે. પ્રાણીઓની બલી ન ચઢાવવામાં આવે તેના માટે રાજ્યના સત્તાધીશો દ્વારા પરિપત્ર, ઠરાવ, ન્યૂઝ પેપર, વોટ્સએપ અને લાઉડ સ્પીકરની મદદથી લોકોને આ મુદ્દે જાગૃત કરે

લીગલ નોટિસમાં વધુમાં રજુઆત કરવામાં આવી છે કે લોકો પ્રાણીઓની બલી ચઢાવતા અટકવવા માટે પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવે. પ્રાણીઓને જો મંદિર કે તેની આસપાસની જગ્યા પર લાવવામાં આવે તો પ્રાણીઓને બચાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવે. આમ અબોલ પ્રાણીઓના જીવ બચાવવા માટે અરજી કરવામાં આવી છે.

પ્રાણીઓની બલી અટકાવવા માટે ગુજરાત એનિમલ એન્ડ બર્ડ્સ સેક્રીફાઇસ એકટ 1972 ઘડવામાં આવ્યો હતો જેમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા આચરનાર વ્યક્તિ સામે 6 મહિના સુધીની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે. અગાઉ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે બલી ચઢવવાથી પ્રાણીઓને ખૂબ જ પીડા થતી હોય છે, જેથી તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન થવું જોઈએ નહિ

(9:46 pm IST)