Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમરેલી જીલ્લાના ધારી ગીરના દલખાણીયા રેન્જમાં વિચિત્ર ઘટનાઃ સાંકળથી બાંધેલ ૭૫ વર્ષના આધેડનો દિપડાઍ ફાડી ખાડેલ હાલતમાં મૃતદેહ મળ્યો

અમરેલી: અમરેલીના ધારી ગીરના દલખાણીના રેન્જની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના અમૃતપુર ગામ નજીક વાડી વિસ્તારમાં 75 વર્ષીય આધેડને દીપડાએ ફાડી ખાધો છે. જોકે, ઘટના સ્થળે પહોંચેલું વનવિભાગ આધેડનો મૃતદેહ જોઈ ચોંકી ઉઠ્યું હતું. કારણ કે, આધેડને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે વનવિભાગે તપાસ શરૂ કરી છે કે, આખરે કેમ વૃદ્ધને આ રીતે કુલ્લામાં સાંકળથી બાંધ્યા હતા.

મનુભાઈ સાવલીયાને દીપડાએ ફાડી ખાધા

બન્યું એમ હતું કે, ધારીના દલખાણીના રેન્જમાં આજે સવારે એક 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે ગામના જ રહેવાસી મનુભાઈ સાવલિયાનો મૃતદેહ છે. ત્યારે માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડાએ મનુભાઈનો મૃતદેહને ક્ષતવિક્ષત કરી નાંખ્યો હતો. અરેરાટી થઈ જાય તેવો તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે તાત્કાલિક વન વિભાગ પહોંચ્યું હતું.

વૃદ્ધએ કેમ સાંકળથી બાંધ્યા તેનો પરિવારે જવાબ ન આપ્યો

જોકે, વન વિભાગે સૌથી પહેલા જે જોયું તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, મનુભાઈ સાવલીયાને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. આખરે કેમ મનુભાઈને આ રીતે બર્બરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે વન વિભાગે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, મનુભાઈના પરિવારજનોએ પણ આ અંગે માહિતી ન આપી કે આખરે કેમ તેમને વાડીમાં આ રીતે સાંકળથી બાંધી રાખવામા આવ્યા હતા.

(4:43 pm IST)