Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પ્રજાસત્તાક પર્વમાં નરેન્દ્રભાઇએ જામનગરની હાલારી પાઘડી પહેરીઃ જામનગરના વિક્રમસિંહ જાડેજાએ બનાવી'તી

જામસાહેબ શત્રુશલ્યજીએ વડાપ્રધાનને અર્પણ કરી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૭૨માં ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગરની હાલારી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા જાણીતા છે.

નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીને મળી ચૂકયા છે. જામસાહેબ શત્રુશલ્યજીએ નરેન્દ્રભાઇ મોદીને આપેલી હાલારી પાઘડી જામનગરના જ વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે. વિક્રમસિંહ જાડેજા વિશ્વના છ દેશોમાં પાઘડી અને સાફા બનાવવા માટે ખ્યાતિ મેળવી ચૂકેલા છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે પણ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યજીએ બનાવડાવી હતી. ત્યારે ૭૨માં ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાને ખાસ જામનગરની હાલારી પાઘડી સાથે જોવા મળતાં પાદ્યડી બનાવનાર વિક્રમસિંહ જાડેજાએ ખુશી વ્યકત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતના ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ખાસ પાદ્યડીમાં જોવા મળ્યા છે. તેમણે જામનગરની લાલ રંગની એક વિશેષ પાઘડી પહેરીને સાફા બાંધવાની પરંપરાને આગળ વધારી હતી.

વડા પ્રધાને ગણતંત્ર દિવસ ઉજવણીમાં બાંધણી પ્રિન્ટનો સાફો પહેર્યો હતો. કેસરિયા રંગના સાફાનો એક ભાગ પાછળની તરફ કમર પર લટકતો રહ્યો હતો. તેમ જ આ કેસરિયા રંગના સાફામાં લીલો રંગ પણ સામેલ હતો. સાથે જ તેમાં બારીક સુંદર રેખાઓ દોરવામાં આવી હતી, જેની સાથે સફેદ કુર્તો અને બ્રાઉન રંગનું જેકેટ પરફેકટ મેચિંગ કર્યું હતું.

વર્ષ ૨૦૧૮ના ગણતંત્ર દિવસ દરમિયાન મોદીજીએ ઘણા રંગની પાઘડી પહેરી હતી. તેમનો પોકેટ સ્કવેર પણ મલ્ટીકલરનો હતો. મોદીએ તે વર્ષે ક્રીમ રંગનો કુર્તો અને કાળા રંગના જેકેટની પસંદગી કરી હતી.

તેમ જ વર્ષ ૨૦૧૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાઘડીની પરંપરા આગળ વધારી હતી. પીળા રંગની પાઘડી જેના પર લાલ અને લીલા રંગના બાંધણીના પ્રિન્ટની ઘણી પટ્ટીઓ લગાવી હતી.(તસ્વીર કિંજલ કારસરીયા. જામનગર)

(12:12 pm IST)