Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સુરજકરાડીના શિશુ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં ર૭૦ બોટલો રકત એકત્ર

મીઠાપુર : સુરજકરાડીમાં આવેલા શિશુ મંદિર ખાતે ર૬મી જાન્યુઆરીનાં રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપ દ્વારા ઓખા પાલિકાના સહયોગથી યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ર૭૦ જેટલી રકત બોટલો એકત્રીત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય પબુભા વિરમભા માણેકની રકતતુલા  કરાઇ હતી. સવારે ૯.૩૦ વાગ્યે ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક તથા ભાજપના હોદેદારો દ્વારા દીપ પ્રાગટય કરાયા બાદ આ કેમ્પને ખુલ્લો મુકાયો હતો. અને સાંજે પ વાગ્યા સુધીમાં તો ર૭૦ જેટલા દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરાયું હતું. આ કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા ભાજપના યુવા કાર્યકરો, સંગઠનના ચૂંટાયેલા કાર્યકરો તથા ઓખા પાલિકાના કાર્યકરો ખડેપગે હાજર રહ્યા હતાં. સાંજે પ વાગ્યા બાદ શ્રી પબુભા વિરમભા માણેકની રકતતુલા કરવામાં આવી હતી. આ કેમ્પમાં રકત દેનાર દાતાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દેવભૂમિ દ્વારકા જીલ્લા તથા જામનગર જીલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી પુનમબેન માડમ દ્વારા દરેક દાતાઓને એક સ્મૃતિ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પબુભા દ્વારા યુવા ભાજપની ટીમ, ઓખા પાલિકાની ટીમ તથા બ્લડ ડોનેટ કરનાર દાતાઓને શુભેચ્છાઓ આપી આભાર માન્યો હતો. આ બ્લડ કેમ્પમાં જામનગર જી.જી. હોસ્પીટલ, ખંભાળીયા સીવીલ હોસ્પિટલ તથા જામનગર વોલીયનટરી બ્લડ બેંકની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. યુવા ભાજપના હોદેદારો, સંગઠનના હોેદેદારો તથા ઓખા નગરપાલિકાના હોદેદારો દ્વારા શ્રી પબુભાનું સન્માન કરાયું હતું. (તસ્વીર - અહેવાલ દિવ્યેશ જટણીયા -મીઠાપુર)

(11:50 am IST)