Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કોરોના વોરીયર્સની સેવા થકી આપણે સુરક્ષીત : ડો. સૌરભ પારઘી

જુનાગઢમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી : સન્માન કરીને સેવાને બિરદાવી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ ત્રિરંગાને સલામી આપી જિલ્લા પોલીસ વડા રવિ તેજા સાથે ખુલ્લી ઝીપમાં પરેડનું નિરિક્ષણ કર્યુ હતુ.

આ પ્રસંગે આઝાદિમાં શહીદિ વહોરનાર સૌ સ્વાતંત્રય વિરોને શ્રધાંજલી આપી કલેકટરશ્રીએ કહયુ કે આઝાદીના એ કાલખંડમાં સ્વાતંત્ર્યવીરોએ વિદેશી હકૂમત સામે જંગ છેડ્યો હતો. આજે પણ આપણે કોરોના રૂપી અન્ય એક મહામારી સામે ઝઝુમી રહ્યા છીએ.કોરોનાના આ કાલખંડમાં 'સેવા પરમો ધર્મ'ના મંત્ર સાથે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે દેશના સામાન્ય માણસની સુરક્ષા માટે ઝઝૂમેલા કોરોના યોદ્ઘાઓને હું ભાવપૂર્વક વંદન કરૃં છું.આ કોરોના વોરીયર્સની સેવા થકી આપણે આજે સુરક્ષીત છીએ.

કોરોનાના કાળમાં અનેક પરિવારો પ્રભાવિત થયા, અનેક લોકોએ જીવ ગુમાવ્યા. હું બધા પરિવારો પ્રત્યે સંવેદના પ્રકટ કરૂ છું. આપણી અદમ્ય ઈચ્છાશકિત અને સંકલ્પ શકિતથી આપણે વિજયી બનીશું, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સંકટના આ સમયે પોતાના જીવની પરવા કર્યા વિના સેવારત રહેલા ડોકટર્સ,નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઈન વકર્સની કટિબદ્ઘતાના કારણે આપણે આજે કોવીડ પર મહદ અંશે નિયંત્રણ મેળવી શકયા છીએ. આજે વિશ્વના વિકસિત દેશો પણ કોવીડ નિયંત્રણનો પડકાર ઝીલવામાં સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આપણે કોવીડને નિયંત્રિત કરવામાં મોટી સફળતા મેળવીછે, એમાં આપ સૌના સહકારની હું કદર કરૃં છું. તેમ જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યુ હતુ.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં શ્રેષ્ઠ કામગીરી માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલના ડો. માલવીયા અને ડો. સુશલી કુમારનું, આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી નેશનલ લેવલે એવોર્ડ મેળવનાર નાકરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. એસ.એ. ભાલોડીયા ઉપરાંત કાયાકલ્પ એવોર્ડ થી ડો. કિશોર બગડા, ડો. એ.બી. શ્રોફ, ડો. ભાલોડીયા અને ડો. એચ..કે. જોષીને સન્માનીત કરાયા હતા. ઉપરાંત ૧૦૮ માં સેવારત હોસ્પીટલ કો-આર્ડીનેટર રાહુલ ખાણીયા, કેપ્ટન કીશન વાઢેર, ઇએમટી મહેશ પરમાર, પાઇલોટ ભરત નંદાણીયા, પાઇલોટ કમ ડ્રેસર લવ ચાવડા અને ફાર્માસીસ્ટ મનીષ વસાણીને સન્માનીત કરાયા હતા.

ઉપરાંત વન વિભાગમાં સારી કામગીરી કરનાર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જગદીશ મયાત્રા, ફોરેસ્ટર એચ.આર. રતનપરા, વનરક્ષક એમ.ડી. બાકુ અને રેખાબેન બેરા, સિંહ સવંર્ધન માટે સારી કામગીરી કરનાર એચ.કે. મોરી, બી.એમ ઓળકીયા, જી.બી. સીકરવર અને આર.ડી. ટમાલીયાને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાયા હતા. ઉપરાંત જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી. બારૈયા, પોલીસ સબ ઇન્સપેકરટ જયરાજસિંહ વાળા, દિપક બડવા, ગોહીલ અને એસઓજીમાં શ્રેષ્ઠ ફરજ બજાવનાર પોલીસ જવાનોનું બહુમાન કરાયુ હતુ.

પ્રજાસત્તાક પર્વ ઉજવણી પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પ્રીન્સીપાલ પાંડોર, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીય, સોરઠ દુધ ઉત્પાદક સંઘના ચેરમેન રામશીભાઇ ભેટારીયા, મ્યુ. કમીશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી, આસીટન્ટ કલેકટર અંકીત પન્નુ, નાયબ વા સંરક્ષક સુનીલ બેરવાલ સહિત અધીકારીઓ પદાધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહયા હતા. આ તકે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતુ.

(10:17 am IST)