Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

રાજ્ય સરકાર દ્વારા જુનાગઢને પ્રજાસત્તાક પર્વે સિંહ દર્શનની ભેટ

સાસણ બાદ હવે જુનાગઢના ઇન્દ્રેશ્વરનાકાથી પાતુરણ ચેક પોસ્ટ સુધી ૫૦ જેટલા સિંહો જોવા મળે તેવી વ્યવસ્થા : ગિરનાર સિંહ દર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં ગિરનાર સિંહ દર્શનની પ્રથમ ટ્રીપ ૧૮ પ્રવાસીઓ સાથે સિંહ દર્શન કરી પરત આવી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી જાહેરાતનો ગઇકાલથી જ અમલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૭ : અનેક વિટંબણાઓ બાદ હવે સાસણ બાદ જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ગઇકાલથી સિંહ દર્શનનો પ્રારંભ થયો છે જેમાં ઇન્દ્રેશ્વર નાકા થી લઇ પાતુરણ  ચેકપોસ્ટ સુધી ૨૬ કિલોમીટરના રૂટ માં સિંહ દર્શન નો પ્રારંભ થયો છે આ મુદ્દે અગાઉ હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી તેનો નિકાલ થતાં ૨૬મી જાન્યુઆરીથી સિંહ દર્શનનો રાજ્ય સરકારે રાતોરાત નિર્ણય પ્રારંભ કરાવી દીધો છે જેમાં નિયમો સાસણ ની જેમ જ રહેશે અને દરરોજની ૮ પરમીટ કાઢવામાં આવશે જેમાં સવારે ચાર અને સાંજે ચાર પરમીટ આપવામાં આવશે જીપ્સીના રૂપ આસપાસ ૫૦ જેટલા સિંહોનો વસવાટ આવેલો છે. તેમ ડૉ. સુનિલ બેરવાલ, નાયબ વન સંરક્ષક, ગીરનાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી- જૂનાગઢ એ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતનો આજથી જ અમલ કરવામાં આવ્યો છે.

સિંહ દર્શનની શરૂઆત બે વર્ષ પહેલાં જ કરવાની જાહેરાત થઈ હતી પરંતુ આ મુદ્દો કોર્ટમાં હતો જેથી ગિરનારમાં સિંહ દર્શન માટે ૧૦ જિપ્સી ૧૨ ગાઈડ તૈયાર જ હતા અને આજથી સાસણ બાદ હવે પ્રવાસીઓને ગિરનારમાં સિંહ સાથે અનેક પક્ષીઓ પ્રાણીઓ અને પ્રકૃતિના દર્શન કરવાનો લ્હાવો મળશે પ્રવાસીઓને ગિરનારમાં સિંહ દર્શન માટે ૮૦૦ રૂપિયા પરમીટ ચાર્જ ૧૭૦૦ રૂપિયાનું ભાડું અને ચારસો રૂપિયા ગાઈડના એમ કુલ મળી ૨૯૦૦ રુપિયા પ્રવાસીઓને ચાર્જ ચુકવવાનો રહેશે.

આજે સવારે પ્રથમ ટ્રીપ ૬:૪૫ ગિરનાર સફારી માટે રવાના થઇ હતી જેમાં ૨૦૦ મીટર દૂર જતાં જ બે સિંહોના દર્શન થયા બાદ માં અને પક્ષીઓ પ્રાણીઓ અને પ્રાકૃતિક સૌંદર્યના અદભુત દર્શનનો લાહ્વો મળ્યો હતો સાસણ કરતાં પણ વધુ ગિરનાર સફારીમાં વધુ મજા આવી હોવાનો પ્રવાસીએ જણાવ્યું છે પ્રથમ ટ્રીપમાં ૧૮ પ્રવાસીઓ રવાના થયા હતા અને બપોર બાદ બીજી ચાર જિપ્સી ઓ પ્રવાસીઓને લઈ ગિરનારની સફારી માટે ગઇ હતી. પ્રવાસીઓ માટે શરૂઆતના તબક્કામાં કરંટ પરમિટ પણ ઉપલબ્ધ રહેશે બાદમાં ઓનલાઇન પરમીટ જ મળશે.

(10:59 am IST)