Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બોટાદના લાઠીદડમાં પરપ્રાંતિય દંપતિ સહિત ૪ ના ઝેરી અસરથી મોત થયાનું ખુલ્યુ

દવા છંટકાવની કામગીરી કરતા હોવાથી તેની અસર થયાનું તારણઃ હજુ એફએસએલ રિપોર્ટની જોવાતી રાહ

(મહિપાલ વાઘેલા દ્વારા) બોટાદ તા. ર૬ : બોટાદ જીલ્લાના લાઠીદડ ગામમાં પરપ્રાંતિય દંપતિ સહિત ૪ ના રહસ્યમોત અંગે જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતાએ જણાવ્યુ હતું કે આ પ્રકરણમાં પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ચારેય વ્યકિતઓના ફુડ પોઇઝીંગ-ઝેરી અસરના કારણે મોત થયાનું જાણવા મળ્યું છે.

મૃતકોના વિશેરા લઇને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અને એફએસએલની ટીમ તપાસ બાદ રિપોર્ટ આપશે જેની રાહ જોવાઇ રહી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા અમૃતભાઇ પ્રભુભાઇ પટેલની વાડીએ છોટાઉદેપુર જીલ્લાના કંઠમુડવા ગામેથી મજુરો કામ અર્થે આવ્યા હતા જેમાં કાંતાબેન ત્રિકમભાઇ નાયક ઉ.પપ, ત્રિકમભાઇ કુંધનભાઇ નાયક ઉ.પ૮, ફતેસિંગભાઇ લવજીભાઇ બારૈયા ઉ.૬૦, રતનભાઇ કદુભાઇ નાયક ઉ.પર અને એક અન્ય વ્યકિતની કોઇ કારણોસર તબિયત લથડી હતી. જેમાં એક મહિલા સહિત ચાર મજુરોના મોત થયા હતા. જયારે એક વ્યકિતને સારવાર માટે બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ. જયારે બાકીના ચાર લોકોના મૃતદેહને પીઅમે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં બનાવની જાણ થતા બોટાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અનેતપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)