Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ભવનાથની તળેટીમાં પ્રતિકાત્મક લીલી પરિક્રમા માર્ગનું સાધુ-સંતોએ કર્યું પૂજન

ગિરનાર મંડળના સાધુ-સંતોએ પરિક્રમા માર્ગનું પૂજન કરીને પ્રતિકાત્મક પરિક્રમા કરી:સાધુ સંતો અને મનપાના અધિકારીઓ જોડાયા

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવેલી ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક શુકન સાચવવા માટે ગિરનારના સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પૂજન કરીને વિધિવત રીતે પરિક્રમાને ધાર્મિક દ્રષ્ટિએ શરૂ કરાવવામાં આવી હતી.

 કોરોના સંક્રમણને કારણે પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો. જેની જાહેરાત ગત્ત શનિવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કરી હતી. સરકાર દ્વારા પરિક્રમાને રદ કરવામાં આવી હતી, પરંતુ ધાર્મિક તિથિ અને વિધિવિધાન સાથે કોઈપણ હિન્દુ ધાર્મિક કાર્યને વિધિ વિના પૂર્ણ કરવામાં આવે તેવું આજદિન સુધી બન્યુ નથી, ત્યારે કારતક સુદ અગિયારસના દિવસે રાત્રે વિધિવત રીતે પ્રતિકાત્મક પરિક્રમા ધાર્મિક નિયમ મુજબ શરૂ કરવામાં આવી હતી. આ માર્ગ પર ગીરનાર સાધુ સંતોએ પૂજન વિધિ કરીને પ્રતિકાત્મક ધાર્મિક વિધિ પૂર્ણ કરીને પરિક્રમા રૂટની પૂજા કરી હતી.

જૂનાગઢમાં આયોજિત ગિરનારની લીલી પરિક્રમા અનેક વખત રદ થઇ હોવાના પુરાવાઓ મળી રહ્યા છે. નવાબી શાસન દરમિયાન અને વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિમાં પરિક્રમા રદ થઈ હતી. વૈશ્વિક મહામારીના સમયમાં પણ કેટલાક કિસ્સાઓમાં પરિક્રમાને રદ કરવામાં આવી હોવાના પુરાવા છે, ત્યારે આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસથી સંક્રમિત બન્યું હોવાથી પરિસ્થિતિને ધ્યાને રાખી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે

(10:56 am IST)