Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ગુંજયાં

નવરાત્રીના પાવન પર્વ દરમિયાન યોજાયેલ ઓનલાઈન કાર્યક્રમને વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ ઈન્ટરનેટ પર માણ્યોઃ ગુજરાતના ખ્યાતનામ લોકકલાકાર રાધાબેન વ્યાસ અને ગંગારામ વાઘેલાએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી :નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન છેલ્લા ૧૦ વર્ષથી સવિશેષ પ્રયત્નશીલ

રાજકોટ,તા. ૨૬: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ગુંજયાં. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ – મેઘાણી@૧૨૫ નિમિત્ત્।ે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન યોજાયેલ ઓનલાઈન કાર્યક્ર્મને વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ ઈન્ટરનેટ પર માણ્યો.

ગુજરાતનાં કોકિલકંઠી લોકગાયિકા રાધાબેન વ્યાસ અને વાલ્મીકિ સમાજમાંથી આવતા સેવાભાવી ભજનિક-લોકગાયક ગંગારામ વાઘેલાએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી હતી. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પીયરિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થયાં હતાં.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને મેઘાણી@૧૨૫ના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણી, વાલ્મીકિ યુવા ઉત્થાન મિશનના કે. સી. વાઘેલા, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા, ખાદી-રચનાત્મક કાર્યકર ગોવિંદભાઈ જાદવ, એન.આઈ.ડી.સી. (દિલ્હી)ના નિવૃત્ત્। ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પ્રભુદાસ ગોહિલ (સુદામડાવાળા) અને પિયૂષભાઈ વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વાલ્મીકિ સમાજના કોરોના વોરિયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરિયાતમંદ પરિવારોને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કીટ વિતરણ કરાયું હતું. અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદનાં ગ્રંથાલયમાં છેલ્લા ૩૯ વર્ષથી ગ્રંથપાલ તરીકે કાર્યરત ગંગારામ વાઘેલા સેવા-નિવૃત્ત્। થતાં એમનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન છેલ્લા ૧૦ વર્ષથી સવિશેષ પ્રયત્નશીલ છે.

'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે'તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. ધૂળધોયાનું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખુંધ્યા અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ રઢિયાળી રાતમાં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:38 am IST)