Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબી મણીમંદિર નજીક દરગાહના દબાણ મામલે અંતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ.

વિવિધ સંગઠનોના રાત્રે ધરણા બાદ રાજયમંત્રી મેરજાની મધ્યસ્થીથી માર્ગ અને મકાન વિભાગના અધિકારી ફરિયાદી બન્યા : રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયો

મોરબી મણિમંદિરની બાજુમાં વધારાની જગ્યામાં દરગાહનું ગેરકાયદે દબાણ ઉભું થઈ જતા મોરબી હેરીટેજ બચાવો સમિતિની આગેવાની હેઠળ લાંબા સમયથી આ દબાણ હટાવવા મામલે રજુઆત કરાયા બાદ જિલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધવા અભિપ્રાય અપાયો હતો આમ છતાં ગુન્હો દાખલ ન થતા ગઈકાલે વિહિપ સહિતના સંગઠનો દ્વારા ધરણા કરવામાં આવતા અંતે રાજયમંત્રી બ્રિજેશ મેરજાની સુચનાને પગલે અંતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઐતિહાસિક મણિમંદિરની બાજુમાં આવેલ દરગાહમાં ધીમે ધીમે બાંધકામ કરી વધુ દબાણ કરવામાં આવતા મોરબી હેરિટેજ બચાવો સમિતિના નેજા હેઠળ જુદાજુદા સંગઠનો દ્વારા આ ધાર્મિક દબાણ હટાવવા મામલે સ્થાનિકથી લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ હતી અને આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા અંતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં લેવા અભિપ્રાય અપાયો હતો.
જો કે, આમ છતાં પણ આ દબાણ મામલે કોઇ નક્કર પગલાં ન લેવાતા અંતે ગઈકાલે મોરબી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની, તેમજ ગૌરક્ષા સહિતના સંગઠનો દ્વારા મોડીરાત્રે મોરબી સર્કિટ હાઉસ ખાતે ધરણા કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી.
જેને પગલે મોરબી માર્ગ અને મકાન વિભાગના ઈજનેર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે
ઉલ્લેખનીય છે કે, આ દબાણ મામલે ગઈકાલે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆતને યોગ્ય રીતે સાંભળીને તાત્કાલિક એનું નિરાકરણ કરવામાં આવતા મોરબી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, ગૌરક્ષા અને સર્વ હિન્દુ સંગઠન દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો.

 

(8:18 pm IST)